મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી: ઉદ્ધવના સહયોગી મિલિંદ નાર્વેકર 12મા ઉમેદવાર
મુંબઈ: શિવસેના (યુબીટી) એ મંગળવારે પક્ષના વડા ઉદ્ધવ ઠાકરેના અંગત સહયોગી મિલિંદ નાર્વેકરને વિધાન પરિષદની 11 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હોવાથી ઉમેદવારોની સંખ્યા 12 થઈ ગઈ છે.
શાસક મહાયુતિના નવ અને વિપક્ષી મહા વિકાસ આઘાડી (મવિઆ)ના ત્રણ ઉમેદવારે મંગળવારે તેમના ઉમેદવારી પત્રો ભર્યા હતા. વિધાનસભાના સભ્યો આ ચૂંટણી માટે મતદાતા છે. 14 ખાલી જગ્યાઓને કારણે વિધાનસભાની વર્તમાન સંખ્યા 274 છે. વિજેતા ઉમેદવારો માટે જીતનો ક્વોટા 23 છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (ભાજપે) એ ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડે, અમિત ગોરખે, સદાભાઉ ખોત, યોગેશ ટિલેકર અને પરિણય ફુકેને ઉમેદવારી આપી છે. જ્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ ભૂતપૂર્વ સાંસદો કૃપાલ તુમાને અને ભાવના ગવળીને મેદાનમાં ઉતાર્યા છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર કાઉન્સિલ ચૂંટણી: શિવસેનાનો નાસિક ટીચર્સ સીટ પર વિજય
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ રાજેશ વિટેકર અને શિવાજીરાવ ગર્જેને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે પ્રજ્ઞા સાતવને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે અને એનસીપી (એસપી)એ વર્તમાન એમએલસી અને શેકાપના નેતા જયંત પાટિલને સમર્થન આપ્યું છે. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ પાંચ જુલાઈ છે અને ચૂંટણી 12 જુલાઈએ થશે. રાજ્યની વિધાનસભામાં ભાજપ પાસે 103 સભ્યો છે, ત્યારબાદ અજિત પવારના નેતૃત્વવાળી એનસીપીના 40, એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના 38 સભ્યો છે. કોંગ્રેસ પાસે 37 વિધાનસભ્યો છે, શિવસેના (યુબીટી) પાસે 15 અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) પાસે 10 વિધાનસભ્યો છે.
નિવૃત્ત થઈ રહેલા વિધાન સભ્યોમાં મનીષા કાયંદે (શિવસેના), અનિલ પરબ (શિવસેના-યુબીટી), વિજય ગિરકર, નિલય નાઈક, રમેશ પાટીલ, રામરાવ પાટીલ (ભાજપ), અબ્દુલ્લા દુરાની (એનસીપી), વજાહત મિર્ઝા અને પ્રજ્ઞા સાતવ (કોંગ્રેસ), મહાદેવ જાનકર અને જયંત પાટિલનો સમાવેશ થાય છે. (પીટીઆઈ)