મહારાષ્ટ્રમાં પાંચ જ્યોતિર્લિંગ માટે વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં પાંચ જ્યોતિર્લિંગ માટે વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મહારાષ્ટ્ર સરકારે પ્રથમ વખત રાજ્યમાં આવેલા પાંચ જ્યોતિર્લિંગ પરિસરોના વિકાસ માટેની યોજનાઓને સમયસર અને કાર્યક્ષમ અમલ પર દેખરેખ રાખવા માટે વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની નિમણૂક કરી છે.

આ અધિકારીઓ પ્રોજેક્ટ પ્રગતિની નિયમિત સમીક્ષા કરશે અને સીધા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને અહેવાલો સુપરત કરશે, એમ બુધવારે મુખ્ય પ્રધાનની કચેરી (સીએમઓ)ના નિવેદનમાં જણાવાયું છે.

ઉચ્ચ-સ્તરીય સમિતિની બેઠકોમાં વિકાસ યોજનાઓને પહેલેથી જ મંજૂરી આપવામાં આવી છે, અને સરકારી ઠરાવો (જીઆર) પણ જારી કરવામાં આવ્યા છે.

આપણ વાંચો: ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોના અસરગ્રસ્તોને ઘરની સામે હવે રોકડા પણ મળશે

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલા આ ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોને માટે નોંધપાત્ર આર્થિક ફાળવણી કરવામાં આવી હોવાથી હવે તે માળખાકીય અને યાત્રાધામ-કેન્દ્રિત સુધારા માટે સજ્જ છે, એમ તેમાં જણાવાયું છે.

સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ વી. રાધા પુણે જિલ્લામાં ભીમાશંકર માટે નોડલ અધિકારી રહેશે અને શ્રી ક્ષેત્ર ઘૃષ્ણેશ્ર્વર (છત્રપતિ સંભાજીનગર જિલ્લો) માટે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના એસીએસ બી. વેણુગોપાલ રેડ્ડી જવાબદાર રહેશે.

શ્રી ક્ષેત્ર ત્ર્યંબકેશ્ર્વર (નાસિક)ની દેખરેખ નાણા વિભાગના અગ્ર સચિવ સૌરભ વિજય કરશે.

આપણ વાંચો: મહારાષ્ટ્ર ઉદ્યોગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ દેશમાં અગ્રેસર: એકનાથ શિંદે

શ્રી ક્ષેત્ર ઔંઢા-નાગનાથ (હિંગોલી) અને પરળી-બૈજનાથ (બીડ)ની અનુક્રમે નાણા વિભાગના અગ્ર સચિવ રિચા બાગલા અને ઓબીસી કલ્યાણ વિભાગના સચિવ અપ્પાસાહેબ ધુળજ દેખરેખ રાખશે.

ભીમાશંકર માટે 11 મંજૂર થયેલા કામો માટે 148.37 કરોડ રૂપિયા, ઘૃષ્ણેશ્વર માટે 156.63 કરોડ રૂપિયા, ત્ર્યંબકેશ્ર્વર માટે 275 કરોડ રૂપિયા, પરલી બૈજનાથ માટે 15.21 કરોડ રૂપિયા અને ઔંઢા નાગનાથ માટે 92 કામોને આવરી લેતા રૂ. 286.68 કરોડનો સમાવેશ થાય છે.

આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ જ્યોતિર્લિંગ સ્થળોએ યાત્રાધામ માળખાકીય સુવિધાઓ અને કનેક્ટિવિટી વધારવાનો છે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button