Terrorism: મહારાષ્ટ્રમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ: NIAની ચાર્જશીટમાં અનેક ચોંકાવનારા ખુલાસા કરાયા
મુંબઇ: મહારાષ્ટ્રમાં ચાલી રહેલ ISIS ના આતંકવાદી મોડ્યુઅલ બાબતે મોટો ખૂલાસો થયો છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જ્યારે થાણે પાસે આવેલ પડઘા ગામતો જાણે અલ શામ એટલે કે ગ્રેટર સીરિયા જ બની ગયું હતું.
આતંકવાદી મોડ્યુલ કેસમાં અટક કરવામાં આવેલ આરોપીમાંથી એકજણે ISIS સાથે સંકળાયેલ સંગઠનોને આતંકવાદી પ્રવૃત્તિનું સમર્થન આપવા માટે ફંડ પણ પૂરું પાડ્યું હતું. NIA દ્વારા દાખલ કરવામાં આવેલ ચાર્જશીટ મુજબ આરોપી શર્જીલ શેખે તેના કોટક મહિન્દ્રા બેન્ક ખાતાનો ઉપયોગ કરી સીરિયામાં આવેલ દ મર્સીફૂલ હેન્ડ્સ નામની સંસ્થાને 176 ડોલર એટલે કે 14,600 રુપિયાનું દાન કર્યું હતું.
NIA નો દાવો છે કે બીજો આરોપી ઝુલ્ફીકારઅલી બડોદાવાલા, મે-જૂન 2022માં ભિવંડી તાલુકામાં આવેલ પડઘા-બોરીવલી આ ગામમાં ગયો હતો. તેણે આપેલી જાણકારી મુજબ પડઘા ગામ એ ભારતનું અલ શામ (ગ્રેટર સીરિયા) હતું. NIA દ્વારા દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં અનેક ખૂલાસા કરવામાં આવ્યા છે. NIA ને શર્જિલ શેખના ફોનમાંથી વિડીયો મળી આવ્યા છે. જે આતંકવાદી પ્રવૃત્તિમાં તેની સક્રિય કામગીરીનો ઠોસ પૂરાવો છે.
આ વિડીયોમાં ઇસ્લામીક સ્ટેટ ISIS નો ઝંડો હતો, ગોળીબારનો વિડીયો, સીરિયામાં માસ્ક પહેરીને ચાલવાનો વિડીયો, ISIS ના ખલિફાના ભાષણો પણ ફોનમાંથી મળી આવ્યા હતાં. આરોપી દ્વારા મોટા ભાગે વીપીએન નેટવર્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. ISIS ના આતંકવાદીઓ દ્વારા એક વ્યક્તીનું ગળું કાપતો વિડીયો પણ ફોનમાંથી મળી આવ્યો હતો.
વોઇસ ઓફ હિન્દની પ્રચાર પત્રિકા તથા અન્ય જેહાદી દસ્તાવેજો પણ આરોપીના ફોનમાંથી મળી આવ્યા હતાં. તેના ફોનમાં ભડકાવનારા ભાષણોના વિડીયો, દેશની બહાર મુસ્લીમોની થતી હત્યા, ખિલાફત તથા અન્ય સંગઠનોની પત્રિકાઓ જેવા અનેક દસ્તાવેજો મળી આવ્યા. આરોપી તબીશ સિદ્દીકી અને બડોદાવાલાએ બયાથ લીધી હતી. આ બંનેજણ વ્હોટ્સઅપના માધ્યમથી સંપર્કમાં હતાં. વાંધાજનક ભાષણો અને લિંક પણ શેર થતી હતી. આરોપીઓ ઇમેલના માધ્યમથી ISIS ના સંપર્કમાં હતાં એવી જાણકારી પણ મળી હતી.