
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉત્તર મહારાષ્ટ્રના ભાજપના કેબિનેટ પ્રધાન ગિરીશ મહાજને ગુરુવારે હની ટ્રેપ કેસના આરોપી પ્રફુલ લોઢા સાથે વિવિધ નેતાઓના ફોટાઓ જાહેર કરીને સનસનાટી ફેલાવી દીધી છે.
મહાજને સૌપ્રથમ લોઢા સાથે એનસીપીના એકનાથ ખડસેના ફોટા જાહેર કર્યા હતા. મહાજન અને ખડસે બંને ઉત્તર મહારાષ્ટ્રના છે અને કટ્ટર રાજકીય હરીફ છે. ગયા અઠવાડિયે ખડસેએ એવો આક્ષેપ કર્યો હતો કે લોઢા મહાજન સાથે નિકટતા ધરાવે છે, જેની હની ટ્રેપ કેસમાં પછી ધરપકડ કરવામાં આવી હતી. ખડસેએ એસઆઈટી તપાસની માગણી કરી હતી. મહાજને વળતો પ્રહાર કર્યો હતો કે લોઢાએ ખડસે પર પોતાના પુત્રની હત્યાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: હની ટ્રેપ કેસમાં વિજય વડેટ્ટીવારનો ગંભીર આરોપ, ‘પ્રફુલ લોઢાએ વીડિયો બતાવીને 200 કરોડ ભેગા કર્યા’
સોશિયલ મીડિયા પર તસવીરો જાહેર કરતા મહાજને કહ્યું હતું કે, ‘એકનાથ ખડસે, તમે કોની સાથે ઉત્સાહી વાતો કરી રહ્યા છો? આ સંબંધને શું કહેવાય? તમારું કાવતરું લોકો સમક્ષ ખુલ્લું પડી રહ્યું છે. આ એ જ પ્રફુલ લોઢા છે જેને તમે દારૂડિયા કહ્યા હતા? આ એ જ લોઢા છે જેણે તમારા પર પુત્રની હત્યાનો આરોપ લગાવ્યો છે.’
બીજી પોસ્ટમાં તેમણે એનસીપી (એસપી)ના વરિષ્ઠ નેતા શરદ પવાર, શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે, બારામતીના સાંસદ સુપ્રિયા સુળે, એનસીપી (એસપી)ના ભૂતપૂર્વ પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલના લોઢા સાથેના ફોટા પોસ્ટ કર્યા. ‘હની ટ્રેપ એપિસોડ પછી, ફક્ત કેટલાક ફોટાના આધારે કોઈ સંબંધ ન હોવા છતાં, કેટલાક લોકોએ મને પ્રફુલ લોઢા સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો. તેમના પોતાના પક્ષના નેતાઓ શરદ પવાર, સુપ્રિયા સુળે, ઉદ્ધવ ઠાકરે, જયંત પાટીલની પ્રફુલ લોઢા સાથે ઘણી તસવીરો છે. પ્રફુલ લોઢા સાથે તેમનો શું સંબંધ છે?’ એવો સવાલ મહાજને પૂછ્યો હતો.