રાજ્યમાં ૨૪થી ૩૧મી જુલાઈ વચ્ચે સરેરાશથી વધુ વરસાદની આગાહી; ‘આ’ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડશે

મુંબઈઃ મે મહિનાના અંતમાં જ રાજ્યમાં જોરદાર આગમન કરનારા વરસાદે જૂનના અંત સુધીમાં તો સંતાકૂકડી રમવાનું શરુ કરી દીધું છે. જુલાઈ મહિનામાં જોઈએ તેવો વરસાદ વરસ્યો હોવાનું લાગતું નથી, ત્યારે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૪ થી ૩૧ જુલાઈ દરમિયાન મહારાષ્ટ્ર સહિત મધ્ય ભારતના કેટલાક ભાગોમાં સરેરાશ કરતા વધુ વરસાદની અપેક્ષા છે.
હાલમાં રાજ્યના કેટલાક બંધોમાં પાણીનો સંગ્રહ ઓછો છે. આ વર્ષે ચોમાસુ વહેલું આવી ગયું છે અને માત્ર કેટલાક ભાગોમાં જ સંતોષકારક વરસાદ પડ્યો છે.જ્યાં વાવણી પૂર્ણ થઈ ગઈ છે, તે મરાઠવાડા અને વિદર્ભમાં વરસાદની અનિયમિતતા ખાસ કરીને સ્પષ્ટ છે. હાલમાં વરસાદે પોરો ખાધો હોવાથી તાપમાનમાં પણ વધારો થયો છે. ૩૧મી જુલાઈથી ૭મી ઓગસ્ટ દરમિયાન, ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના કેટલાક ભાગોમાં વરસાદની તીવ્રતા સરેરાશ કરતા વધુ રહેવાની ધારણા છે.
આ પણ વાંચો: નાગપુરમાં મોસમનો સૌથી વધુ વરસાદ: જનજીવન પર અસર, રેડ એલર્ટ
રાજ્યના કેટલાક અન્ય ભાગો હજુ પણ ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે. તેથી, આ આગાહી ખેડૂતો અને નાગરિકોને રાહત આપે તેવી શક્યતા છે. ખેતી, જળ સંસાધનો અને પાકોની સ્થિતિને ધ્યાનમાં લેતા, આગામી થોડા દિવસોમાં વરસાદ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો વરસાદની આગાહી સાચી સાબિત થાય તો ખેતીની સાથે પાણીનો સંગ્રહ વધારવામાં મદદ મળશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવાર સુધી થોડો વરસાદ પડશે, ક્યારેક ક્યારેક હળવો વરસાદ પડશે. જોકે, તે પછી, ફરીથી વરસાદ વધવાની શક્યતા છે. ૩૧ જુલાઈથી ૭ ઓગસ્ટ દરમિયાન, પુણે, નાસિક, કોલ્હાપુર, સાતારા, સોલાપુર તેમજ છત્રપતિ સંભાજીનગર, લાતુર, બીડ અને પરભણીના વિસ્તારોમાં ખેતીને રાહત મળવાની અપેક્ષા છે.
કોંકણ દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના પવનો ધીમા પડી ગયા છે, જ્યારે કર્ણાટક અને કેરળના દરિયાકાંઠે ઓછા દબાણવાળા વિસ્તારો અને પવનો સક્રિય થવાને કારણે રાજ્યમાં વરસાદમાં ઘટાડો થયો છે.હવે, ૨૪ જુલાઈ સુધીમાં બંગાળની ખાડીમાં એક નીચા દબાણનો વિસ્તાર બનવાની શક્યતા છે.