લાડકી બહેનોને વધુ એક ગિફ્ટ, હોળીમાં મળશે સાડી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યની લાડકી બહેનોને હવે હોળીમાં ગિફ્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહાયુતિ સરકારે મહિલાઓને એસટીની બસમાં પચાસ ટકાની રાહત આપી, ત્યારબાદ લાડકી બહેન યોજના લાવીને તેમને માસિક 1,500 રૂપિયા આપ્યા. હવે ફડણવીસ સરકારે મહિલાઓ માટે વધુ એક યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકારે હોળી નિમિત્તે રાજ્યની રેશનિંગની દુકાનોમાંથી મહિલાઓને સાડી આપવાનું નક્કી કર્યું છે. આ લાભ ફક્ત અંત્યોદય રેશન કાર્ડ ધરાવતી મહિલાઓને જ મળશે.
આ પણ વાંચો: લાડકી બહેનના લાભાર્થીઓની સંખ્યામાં પાંચ લાખનો ઘટાડો: અપાત્ર પાસેથી પૈસા પાછા નહીં લેવાય: પ્રધાન…
લાભાર્થી મહિલાઓને રેશન દુકાન પર જઈને ઈ-પોસ મશીન પર અંગુઠો મુક્યા બાદ એક કાર્ડ દીઠ એક સાડી આપવામાં આવશે. રાજ્યના સહકાર, માર્કેટિંગ અને વસ્ત્રોદ્યોગ વિભાગો દ્વારા આ સાડી અંત્યોદય પરિવારની મહિલાઓને આપવામાં આવશે. હોળી સુધીમાં બધી જ મહિલાઓને સાડી આપી દેવામાં આવશે એવી શક્યતા છે.