કોંકણ રેલવે માટે મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, અનેક સમસ્યાનો આવશે ઉકેલ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડના ભારતીય રેલવે સાથે વિલીનીકરણ માટે સંમતિ આપશે, એવી જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે વિધાનસભા પરિષદમાં કરી હતી.
આ પગલાથી કેઆરસીએલને તેની નાણાકીય મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળશે. જોકે ‘કોંકણ રેલવે’ નામ યથાવત રહેશે, એમ તેમણે જણાવ્યું હતું. હાલમાં કેઆરસીએલ એ ભારતીય રેલવેના વહીવટી નિયંત્રણ હેઠળનું એક જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે.
આપણ વાંચો: Good News: કોંકણ રેલવે હવે બોરીવલી સુધી દોડાવવામાં આવશે
રાજ્ય વિધાનસભાના ઉપલા ગૃહમાં ભાજપના પ્રવીણ દરેકરના પ્રશ્નના જવાબમાં ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિલીનીકરણ માટે કેન્દ્રને તેની સંમતિ આપશે. રેલવે ટ્રેકનું ડબલિંગ કરવાનું હોય કે ભૂસ્ખલન નિવારક પગલાં લેવા માટે કોર્પોરેશન ભંડોળના અભાવે આગળ વધી શક્યું નથી, મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
આ મુદ્દા પર કેન્દ્ર સરકાર સાથે અનેક ચર્ચાઓ થઈ હતી, અને રેલવે પ્રધાને ઉકેલ તરીકે વિલીનીકરણનો પ્રસ્તાવ મૂક્યો હતો, એમ તેમણે જણાવ્યું હતું. કેરળ, કર્ણાટક અને ગોવાએ પહેલાથી જ મંજૂરી આપી દીધી છે. અમારી સંમતિ દર્શાવતા, અમે કેન્દ્ર સરકારને કોંકણ રેલવે નામ જાળવી રાખવા વિનંતી કરી હતી, એવું ફડણવીસે કહ્યું હતું.
આ અંગે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વિલીન થયા પછી કોંકણ રેલવેને ટ્રેકના ડબલિંગ, સ્ટેશનોના આધુનિકીકરણ અને અકસ્માત નિવારણં પગલાંનાં અમલીકરણ માટે વધુ ભંડોળ પ્રાપ્ત થશે.