આમચી મુંબઈમહારાષ્ટ્ર

વન ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્ર સરકારે ભર્યું આ પગલું…

મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં થતા વન ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યના વન મંત્રાલય હેઠળ મહારાષ્ટ્ર ફોરેસ્ટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MFIDC)ની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્ય સરકાર વનમાંથી મળતા લાકડા અને બીજા અન્ય કાચા માલમાંથી બનાવેલી બનાવટોને લોકો સુધી પહોંચાડશે જેથી જંગલના ઉત્પાદન પર ગુજરાન ચલાવતા પરિવારોને પણ આવકનો સ્ત્રોત મળશે. સરકારે MFIDCની સ્થાપના માટે એક વ્યાપક અભ્યાસ કરવા માટે સલાહકાર સમિતિની રચના કરી છે જે જણાવશે કે કયા વિસ્તારમાં વધારે ઉત્પાદન થઇ શકે છે અને ક્યાંથી વધારે આવક થઇ શકે છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે MFIDCનો ઉદેશ્ય લાકડાના ફર્નિચર, વાંસના ફર્નિચર અને નોન-ટીમ્બર ફોરેસ્ટ પ્રોડક્ટ્સ (NTFP) જેવા જંગલ ઉત્પાદનો પર આધારિત ઉદ્યોગોનો વિકાસ અને પ્રોત્સાહન તેમજ તેની સાથે સંકળાયેલા લોકોને સશક્તિકરણ કરવાનો છે. અધિકારીએ જણાવ્યું હતું કે MFIDC ઉચ્ચ ગુણવત્તાની વન પેદાશોનું ઉત્પાદન સરળતાથી ઉપલબ્ધ કરાવશે. તેમજ તેને સામાન્ય લોકોને વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવશે. હાલમાં ચંદ્રપુર અને નાગપુર જિલ્લામાં વન-આધારિત ઉત્પાદનોના બે ક્લસ્ટરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં નાગપુરમાં ફર્નિચર ક્લસ્ટર અને ચંદ્રપુરમાં હર્બલ અને તેના પ્રોસેસિંગ ઉદ્યોગો માટે એક ક્લસ્ટરની યોજના છે.

આ ઉદ્યોગ દ્વારા મહિલાઓને, ઓબીસી, એસસી અને એસટીના લોકોને રોજગાર આપવા માટે યોજના તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત તે ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને શોપિંગ મોલ્સ દ્વારા વન પેદાશોના વેચાણ બજારમાં મૂકશે. હાલમાં મહારાષ્ટ્રના કુલ ભૌગોલિક વિસ્તારના લગભગ 20 ટકા એટલે કે 61,907 ચો. કિ.મી. જંગલોથી ઘેરાયેલા છે. ત્યારે જંગલો પર પોતાનો નિભાવ કરતા લોકો માટે આ એક સરસ તક ઉપલબ્ધ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button