મહારાષ્ટ્ર કેબિનેટે નવી જેમ એન્ડ જ્વેલરી નીતિને મંજૂરી આપી, રૂ. 1 લાખ કરોડના રોકાણનો લક્ષ્યાંક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર કેબિનેટે મંગળવારે નવી રત્ન અને ઝવેરાત (જેમ એન્ડ જ્વેલરી) નીતિને મંજૂરી આપી હતી જે મુખ્ય ક્ષેત્રમાં રૂ. 1 લાખ કરોડનું રોકાણ આકર્ષિત કરવા અને પાંચ લાખ રોજગારીની તકો ઊભી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
આ નીતિનો હેતુ હીરા અને કિંમતી પથ્થરો ઉપરાંત સોના અને ચાંદીના ઝવેરાત સંબંધિત વ્યવસાયોને પ્રોત્સાહન આપવાનો છે, એમ કેબિનેટની બેઠક બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ઑફિસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે.
આ નીતિમાં રૂ. 1 લાખ કરોડનું રોકાણ આકર્ષિત કરવાનો અને આ ક્ષેત્રમાં પાંચ લાખ નવી રોજગારીનું સર્જન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, એમ નિવેદનમાં જણાવાયું છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર કેબિનેટે 800 કિમી લાંબા શક્તિપીઠ એક્સપ્રેસ-વેને લીલીઝંડી આપી
સીએમઓ અનુસાર, સરકારે ઇન્ટિગ્રેટેડ એન્ડ સસ્ટેનેબલ ટેક્સટાઇલ નીતિ 2023-28 હેઠળ ખાનગી સ્પિનિંગ મિલોને પ્રતિ યુનિટ રૂ. 3 પાવર સબસિડી આપવાનો નિર્ણય લેતા કાપડ ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળ્યું છે, જે તેમને સહકારી મિલોની સમકક્ષ લાવશે.
આ સબસિડી ઔદ્યોગિક ક્લસ્ટરોમાં કાર્યરત સ્પિનિંગ મિલોને પણ ઉપલબ્ધ થશે.
વધુમાં, પાવરલૂમ ઓપરેટરોએ સબસિડીનો લાભ મેળવવા માટે સરકારી ઠરાવના છ મહિનાની અંદર ટેક્સટાઇલ કમિશનરના પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે, એમ નિવેદનમાં જણાવાયું છે.