પૂરગ્રસ્ત ખેડૂતો માટે મહારાષ્ટ્ર સરકારનું રૂ. 31,628 કરોડનું વળતર પેકેજ | મુંબઈ સમાચાર
Top Newsમહારાષ્ટ્ર

પૂરગ્રસ્ત ખેડૂતો માટે મહારાષ્ટ્ર સરકારનું રૂ. 31,628 કરોડનું વળતર પેકેજ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્ર સરકારે મંગળવારે તાજેતરના વરસાદ અને પૂરને કારણે ભારે નુકસાન સહન કરનારા ખેડૂતો માટે રૂ. 31,628 કરોડનું વળતર પેકેજ જાહેર કર્યું હતું.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, પૂરથી નુકસાન પામેલી ખેતીની જમીનના દરેક હેક્ટર દીઠ સરકાર રૂ. 47,000 રોકડ અને રોજગાર ગેરંટી યોજના હેઠળ રૂ. 3 લાખ સહાય સ્વરૂપે આપશે.

પશુધનના નુકસાન બાબતે ખેડૂતોને પ્રતિ પશુ 32,000 રૂપિયા મળશે, એમ તેમણે સાપ્તાહિક કેબિનેટની બેઠક બાદ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

ચોમાસાની શરૂઆતમાં કુલ 1.43 લાખ હેક્ટરમાં વાવણી થઈ હતી, પરંતુ 68 લાખ હેક્ટરથી વધુ જમીનમાં પાકને નુકસાન થયું હતું, એમ ફડણવીસે જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે માટીનું ઉપરનું સ્તર ધોવાઈ જવાથી 60,000 હેક્ટર જેટલી કૃષિલાયક જમીનને નુકસાન થયું હતું.

આ પણ વાંચો: પીએમ મોદી મુંબઈ મુલાકાત વખતે પૂરગ્રસ્ત ખેડૂતો માટે રાહતની જાહેરાત કરે: રાઉત

તેમણે જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે 36 જિલ્લાઓમાંથી 29 અને (358માંથી) 253 તાલુકાઓ ભારે વરસાદથી પ્રભાવિત થયા છે.

તેમણે જણાવ્યું હતું કે, આ પેકેજમાં પાકના નુકસાન, માટી ધોવાણ, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવા, નજીકના સગાં માટે વળતર, ઘરો, દુકાનો અને ઢોરઢાંખરને થયેલા નુકસાન વગેરેનો સમાવેશ થાય છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બધા અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટર 10,000 રૂપિયા અને ક્ષતિગ્રસ્ત કૂવા દીઠ 30,000 રૂપિયા આપવામાં આવશે.

તેમણે કહ્યું કે, સરકારની પ્રાથમિકતા ખેડૂતોને મજબૂત બનાવવાની છે જેથી તેઓ આગામી રવિ પાક માટે તૈયાર રહે, તેમણે ઉમેર્યું હતું કે વળતર સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ પણ વાંચો: ફડણવીસ, શિંદે, અજિત પવાર મરાઠવાડામાં પૂરગ્રસ્તોની મુલાકાતે… પણ ત્રણેયે લીલો દુકાળ જાહેર કરવાનું ટાળ્યું હતું

ઉપરાંત, પાક વીમો ધરાવતા 45 લાખ ખેડૂતોને પ્રતિ હેક્ટર 17,000 રૂપિયા વીમાના પૈસા મળશે, એમ તેમણે જણાવ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે, ખેડૂતોએ આશા ન ગુમાવવી જોઈએ અને સરકાર સુનિશ્ર્ચિત કરશે કે તેમણે ‘અંધારી દિવાળી’નો સામનો ન કરવો પડે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, આર્થિક તંગી હોવા છતાં ખેડૂતોને સહાય મળશે.

‘અમે (કેન્દ્રીય મંત્રી) અમિત શાહને મળ્યા અને કેન્દ્રની સહાય માંગી હતી,’ એમ પણ શિંદેએ કહ્યું હતું.
ફડણવીસે કહ્યું હતું કે ખેડૂતોને થયેલા નુકસાન અંગે એક વ્યાપક મેમોરેન્ડમ કેન્દ્રને રજૂ કરવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

સરકાર યોગ્ય સમયે લોન માફીની જાહેરાત કરશે, પરંતુ હાલમાં પ્રાથમિકતા ‘ખેડૂતોને ફરીથી તેમના પગ પર ઊભા રહેવામાં મદદ કરવાની છે,’ એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ એવો દાવો કર્યો હતો કે જ્યારે તેઓ (ઠાકરે) મુખ્ય પ્રધાન હતા ત્યારે ખેડૂતોને લોન માફી આપવામાં આવી હતી, તેનો જવાબ આપતાં ફડણવીસે કહ્યું હતું કે તેમના (ફડણવીસ)ના પ્રથમ કાર્યકાળ (2014 થી 2019) દરમિયાન પાક લોન માફ કરવામાં આવી હતી. ઠાકરે સરકારે નિયમિતપણે લોન ચૂકવનારા ખેડૂતોને સહાય આપવાનું પોતાનું વચન પૂરું કર્યું નહોતું જેને એકનાથ શિંદે મુખ્ય પ્રધાન હતા ત્યારે પૂર્ણ કરવામાં આવ્યું હતું.

પૂરગ્રસ્ત ખેડૂતોને કુલ પેકેજ– 31,628 Cr
પાક વીમા હેઠળ હેક્ટરદીઠ– 17,000
બધા ખેડૂતોને એકસમાન હેક્ટરદીઠ– 10,000
નુકસાનપામેલી જમીન માટે હેક્ટરદીઠ– 47,000
નુકસાન પામેલા કુવા માટે– 30,000
રોજગાર ગેરેન્ટી યોજના હેઠળ– 3,00,000
પાકને નુકસાન થયું -68 લાખ હેક્ટર
જમીનનું ધોવાણ થયું– 60,000 હેક્ટર

મહારાષ્ટ્ર સરકારનું પૂર રાહત પેકેજ ખેડૂતોની ‘મજાક’: વિપક્ષ

Assembly Election: Opposition leaders claim to try to remove names of voters...

પૂરગ્રસ્ત ખેડૂતો માટે 31,628 કરોડ રૂપિયાના રાહત પેકેજ પર વિપક્ષોએ મંગળવારે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા, તેને ‘ખોખલું’ અને તેમના જીવનને ફરીથી ઊભા કરવા માટે ‘ખૂબ જ નજીવું’ ગણાવ્યું હતું અને વધુ ‘મજબૂત’ સહાય તેમજ નક્કર પુનર્વસન યોજનાની માગણી કરી હતી.

કોંગ્રેસે કહ્યું હતું કે પૂર રાહતની રકમ ખેડૂતોની વેદનાની મજાક સિવાય બીજું કંઈ નથી, જ્યારે શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી)એ તેને ‘છેતરપિંડીનો નમૂનો’ ગણાવ્યો જે ખેડૂતોના ઘા પર મીઠું ભભરાવે છે કારણ કે તે ‘તેમને દેવાના જાળમાં વધુ ધકેલી દેશે.’

આ પણ વાંચો: પરભણી-બીડમાં 6 ખેડૂતોની આત્મહત્યા, પરંતુ સરકારે હજુ કેન્દ્ર પાસેથી મદદ માગી નથી: એનસીપી (એસીપી)

સપ્ટેમ્બરમાં ભારે વરસાદ અને પૂરથી મરાઠવાડા અને આસપાસના પ્રદેશોમાં ભારે અસર થઈ હતી, રાજ્યભરમાં 68.69 લાખ હેક્ટર જમીન પર પાકનો નાશ થયો. બીડ, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ, યવતમાળ, લાતુર, સોલાપુર, ધારાશિવ, જાલના, પરભણી, બુલઢાણા, હિંગોલી, નાશિક અને વાશિમ સહિતના જિલ્લાઓમાં પાકને ભારે નુકસાન થયું છે.

દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળની મહાયુતિ સરકારે મંગળવારે અસરગ્રસ્ત ખેડૂતો માટે રૂ. 31,628 કરોડના વળતર પેકેજની જાહેરાત કરી હતી.

સરકારની ટીકા કરતા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું, ‘મહાયુતિ સરકાર ખેડૂતોની મજાક ઉડાવી રહી છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર (આ વર્ષે) દરમિયાન, ફક્ત મરાઠવાડામાં જ 781 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. છેલ્લા 15 દિવસના ભારે વરસાદમાં, 74 વધુ ખેડૂતોએ પોતાના જીવનનો અંત આણી દીધો છે અને છતાં, અર્થપૂર્ણ સહાય આપવાને બદલે, સરકારે આંકડા વધારીને ખોખલા પેકેજ રજૂ કર્યા છે.’

તેમણે એ બાબત પ્રત્યે ધ્યાન દોર્યું હતું કે રાજ્યભરના ખેડૂતોએ તેમની જમીન, પશુધન અને આજીવિકાના સાધનો ગુમાવ્યા છે.

આ પણ વાંચો: ભાજપના રાજમાંં ન્યાયની માગણી કરવી એ રાજદ્રોહ બની ગયો છે: ઉદ્ધવ ઠાકરે

આવા સમયે તેઓ પ્રતિ હેક્ટર રૂ. 50,000 ના વળતરની અપેક્ષા રાખતા હતા. પરંતુ એનડીઆરએફના ધોરણો હેઠળ જાહેર કરાયેલી સહાય તેમના જીવનને ફરીથી બનાવવામાં મદદ કરવા માટે ખૂબ જ ઓછી છે. તે તેમને વધુ વિનાશ તરફ ધકેલી દેશે,’ એમ તેમણે કહ્યું હતું.

વડેટ્ટીવારે સવાલ કર્યો હતો કે જ્યારે પંજાબ જેવું રાજ્ય કોઈપણ કેન્દ્રીય સહાય વિના પોતાના ભંડોળમાંથી પ્રતિ હેક્ટર રૂ. 50,000 સુધીની સહાય આપી શક્યું છે ત્યારે મહારાષ્ટ્ર જેવું સમૃદ્ધ રાજ્ય શા માટે મોટી સહાય આપી શકતું નથી.
‘શું દિવાળી પહેલા વળતરનું વિતરણ કરવામાં આવશે? ભૂમિહીન ખેત મજૂરો – જેઓ પણ મુશ્કેલીમાં છે – તેમને શું મદદ મળશે?’ એમ પણ તેમણે પૂછ્યું હતું.

પૂરગ્રસ્ત વિસ્તારો માટે રાહત પેકેજને ‘આંકડાનો ખેલ’ ગણાવતા, એનસીપી (એસપી)ના પ્રવક્તા અમોલ માટેલેએ કહ્યું હતું કે ‘સરકાર દ્વારા જાહેર કરાયેલ પેકેજ આંકડાઓનો ખેલ છે. ખેડૂત પ્રતિ હેક્ટર રૂ. 47,000 થી પોતાનું ખેતર કેવી રીતે ફરીથી બનાવશેે? જમીન ધોવાઈ ગઈ છે – બીજ, ખાતર, પશુધન, ઘર – બધું જ ગયું છે. આ જાહેરાતો તે ઘાવને મટાડશે નહીં. સરકાર ખેડૂતોના ઘાવ પર મીઠું ભભરાવી રહી છે,’

સરકાર ખેડૂતોના ઘા પર મીઠું ભભરાવી રહી છે?: હર્ષવર્ધન સપકાળ

Harshwardhan Sapkal accuses BJP of 'looting' the election process, a ploy to destroy democracy: Sapkal

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હર્ષવર્ધન સપકાળે મહાયુતિ સરકાર પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે રાજ્યમાં ભારે વરસાદ અને પૂરથી તબાહ થયેલા ખેડૂતોના આંસુ માટે સરકારના દરવાજા હજુ પણ બંધ છે. લાખોનું નુકસાન થયું છે, પરંતુ સરકારની સહાય હાથમાં ધૂળ જેવી છે… આ સહાય નથી, પરંતુ ખેડૂતોના ઘા પર મીઠું ભભરાવી રહી છે.

પનવેલમાં ‘કામદાર સભા અને બંધારણ જાગૃતિ 2025’ કાર્યક્રમ બાદ બોલતા સપકાળે કહ્યું હતું કે રાજ્યના 30 જિલ્લાઓમાં લગભગ 300 તાલુકા પૂરથી પ્રભાવિત થયા છે. જોકે, સરકારે વળતરના નામે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. અદાણી-અંબાણીની ફાઇલ પર ક્ષણાર્ધમાં સહી કરનારી આ સરકાર ખેડૂતોને મળતી સહાય અંગે મૌન છે. આ સરકાર મુઠ્ઠીભર ધનિક લોકોની છે અને ગરીબો માટે નથી, તેમણે આકરા પ્રહારો કર્યા.

સપકાળે પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાના દરે લોન માફી, ક્ષતિગ્રસ્ત જમીન માટે 5 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર સહાય તાત્કાલિક લાગુ કરવાની અને સરકારના ચિત્રમાં સંપૂર્ણ પરિવર્તન લાવવાની માગણી કરી હતી.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button