મતદાર યાદીમાં ડબલ રજિસ્ટ્રેશની સમસ્યા છેલ્લા 25 વર્ષથી છે: બાવનકુળે

સંપૂર્ણ યાદી રદ કરી નવેસરથી બનાવવી જરૂરી
ચંદ્રપુર: મતદાર યાદીમાં મોટી ગરબડ છે અને એના આધારે વોટચોરી કરવામાં આવી છે એવો આરોપ કરી મનસે અને મહા વિકાસ આઘાડીએ મુંબઈમાં મોટો મોરચો કાઢ્યો હતો. ભાજપ નેતા અને રાજ્યના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ એ મોરચાની ટીકા કરી જણાવ્યું હતું કે ડબલ વોટર રજિસ્ટ્રેશનનો મુદ્દો છેલ્લા 25 વર્ષથી ચાલી રહ્યો છે. આખી યાદી રદ નહીં થાય ત્યાં સુધી ડબલ વોટિંગમાં કોઈ ઘટાડો નહીં થાય. ઘરે ઘરે જઈને સંપૂર્ણ મતદાર યાદી નવેસરથી તૈયાર કરવી જોઈએ.
લોકસભાની યાદી અનુસાર જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ વિધાનસભાની ચૂંટણીની સૂચિને આધારે થતી હોય છે. જોકે પરાજય નિશ્ચિત હોવાનું મહા વિકાસ આઘાડી જાણતી હોવાથી કામદારોનો વિશ્વાસ જાળવવાના ફાંફાં મારી રહ્યા છે એમ બાવનકુળેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: સરકાર કૃષિ લોનમાફી આપશે, પરંતુ માત્ર સાચા અને પાત્ર ખેડૂતોને જ લાભ મળશે: બાવનકુળે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘ભાજપને પણ બે ત્રણ બાર મતદાન કરતા મતદારો સામે વાંધો છે. દેવેન્દ્ર ફડણવીસે આ અંગે સૌથી પહેલા વાંધો ઉઠાવ્યો હતો અને કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. એટલા માટે હવે ઘરે ઘરે જઈને સંપૂર્ણ મતદાર યાદી બનાવવી જોઈએ. ડબલ વોટર લિસ્ટ આજથી નહીં, છેલ્લા 25 વર્ષથી જોવા મળ્યું છે. આવી મતદાર યાદીમાં બે વખત તમને લોકસભામાં વિજય મળ્યો, તમને વિધાનસભામાં પણ સફળતા મળી. આખી યાદી રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ડબલ મતદારો ઓછા નહીં થાય. મતદારોના નામનો ઉમેરો અને કાઢી નાખવાનો મુદ્દો અલગ છે. વિરોધ પક્ષોનો મોરચો જુઠ્ઠાણાનો છે. આ લોકો ફરીથી પરાજિત થશે ત્યારે પરાજય મતદાર યાદીને કારણે થયો એ કહેવા માટે જ આ મોરચો કાઢવામાં આવ્યો હતો.’



