મહારાષ્ટ્ર કોંગ્રેસે 387 સભ્યોની નવી પદાધિકારીઓની જમ્બો સમિતિની જાહેરાત

મુંબઈઃ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના રાજ્ય એકમના નવા વડા તરીકે હર્ષવર્ધન સપકાળ દ્વારા કાર્યભાર સંભાળ્યાના પાંચ મહિના પછી મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (MPCC) એ પદાધિકારીઓની એક નવી ટીમ બનાવી છે, જેમાં તેણે “ભૌગોલિક અને સામાજિક સંતુલન” જાળવવાનો દાવો કર્યો છે.
નવી સમિતિમાં 36 સભ્યોની રાજકીય બાબતોની સમિતિ, 16 વરિષ્ઠ ઉપપ્રમુખો, 38 ઉપપ્રમુખો, પાંચ વરિષ્ઠ પ્રવક્તા, 108 મહાસચિવ, 95 સચિવો, 87 કાર્યકારી સમિતિના સભ્યોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Waqf Bill મુદ્દે મહારાષ્ટ્ર કોંગ્રેસે કહ્યું સરકાર પદ્મનાભ મંદિરનું સોનું પડાવવા માંગે છે…
અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) મહારાષ્ટ્રના પ્રભારી રમેશ ચેન્નીથલા રાજકીય બાબતોની સમિતિના અધ્યક્ષ છે. ભૂતપૂર્વ ધારાસભ્ય અને સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખના પુત્ર ધીરજ દેશમુખને પહેલી વાર વરિષ્ઠ પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભૂતપૂર્વ મુખ્યમંત્રી સુશીલકુમાર શિંદે અને પૃથ્વીરાજ ચવ્હાણ, મુંબઈ કોંગ્રેસના વડા અને લોકસભા સભ્ય વર્ષા ગાયકવાડ, રાજ્યસભા સભ્યો રજની પાટિલ, ઇમરાન પ્રતાપગઢી, ભૂતપૂર્વ રાજ્ય પ્રમુખો નાના પટોલે, માણિકરાવ ઠાકરે રાજકીય બાબતોની સમિતિના સભ્યો છે. પક્ષના 13 જિલ્લા એકમોના પ્રમુખોને પણ લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસે દાવોસમાં ફડણવીસે કરેલા રોકાણ પ્રસ્તાવો પર શ્ર્વેતપત્રની માગણી કરી
પત્રકાર પરિષદને સંબોધતા સપકાળે જણાવ્યું હતું કે, “રાજ્ય કારોબારી સમિતિના નવ નિયુક્ત સભ્યોમાંથી 66 ટકા નવા ચહેરાઓ છે, જ્યારે 33 ટકા અનુભવી નેતાઓ છે. નવી ટીમમાં 41 ટકા અન્ય પછાત વર્ગો (OBC), 19 ટકા અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ અને નોંધપાત્ર સંખ્યામાં મહિલાઓનો સમાવેશ થાય છે. અમે આ પસંદગીમાં ભૌગોલિક અને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે,” તેમણે કહ્યું.