મહારાષ્ટ્ર કોંગ્રેસે દાવોસમાં ફડણવીસે કરેલા રોકાણ પ્રસ્તાવો પર શ્ર્વેતપત્રની માગણી કરી
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ રાજ્યમાં રોકાણનું સ્વાગત કરતા કહ્યું કે લોકોને દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા હસ્તાક્ષર કરાયેલા પ્રસ્તાવો (એમઓયુ) અને તેના દ્વારા રાજ્યમાં નિર્માણ થનારા રોજગારના દાવા પાછળની વાસ્તવિકતા જાણવાનો અધિકાર છે
પત્રકાર પરિષદને સંબોધતા પટોલેએ કહ્યું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો હતો કે, સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન 61 કંપનીઓ સાથે કરાયેલા કરારોથી 15.70 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થશે અને 15.95 લાખ નોકરીઓનું સર્જન થશે.
રાજ્યમાં નોંધપાત્ર રોકાણ આવકાર્ય છે, પરંતુ જનતાને આ કરારોની વિશિષ્ટતાઓ અને તેની પાછળની વાસ્તવિકતા જાણવાનો અધિકાર છે કારણ કે ભૂતકાળમાં પણ આવી જ મોટી જાહેરાતો કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
તેથી, મહાયુતિ સરકારે દાવોસ મુલાકાતો દરમિયાન થયેલા અગાઉના સોદાઓમાંથી સર્જાયેલા રોકાણો અને નોકરીઓ પર શ્ર્વેતપત્ર બહાર પાડવો જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આપણ વાંચો: મહારાષ્ટ્ર કોંગ્રેસમાં કકળાટઃ વિધાનસભ્ય અને સાંસદોના સમર્થકો વચ્ચે બબાલ..
પટોલેએ નિર્દેશ કર્યો હતો કે, દાવોસમાં જે 61 કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા હતા અને તેમાંથી 51 ભારતમાં સ્થિત છે, જેમાંથી 43 મુંબઈ અને પુણેની છે. ફક્ત 10 કંપનીઓ વિદેશી છે.
આમાંથી, કોલ્ડપ્લેની ટિકિટોના કાળાબજાર માટેના ઓનલાઈન પ્લેટફોર્મની મુંબઈ પોલીસ તપાસ કરી રહી હોવા છતાં આ કંપની બુકમાયશો અને સિડકો વચ્ચે 1,500 કરોડ રૂપિયાનો સોદો થયો હતો. વધુમાં, પવઈના જય ભીમ નગરમાં ડિમોલિશન પ્રવૃત્તિઓ સંબંધિત નકલી દસ્તાવેજો તૈયાર કરવા અને ઈપીએફઓ કૌભાંડ માટે સીબીઆઈની તપાસ હેઠળ રહેલી કંપની, હિરાનંદાની સાથે કરાર કરવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું અને પૂછ્યું હતું કે શું સરકાર આવી કંપનીઓ સાથે સહયોગ કરીને કાળાબજારને પ્રોત્સાહન આપી રહી છે.
આપણ વાંચો: હરિયાણાના પરિણામોથી અમે હતાશ નથી થયા: મહારાષ્ટ્ર કોંગ્રેસે આપ્યું નિવેદન
પટોલેએ દારૂ ઉત્પાદકો સાથે કરાર કરવા બદલ સરકારની પણ ટીકા કરી હતી – હેઈનકેન સાથે 750 કરોડ રૂપિયાનો સોદો કરવામાં આવ્યો હતો, અને બીયર ઉત્પાદક એબી ઇનબેવ સાથે 1,500 કરોડ રૂપિયાનો બીજો સોદો કરવામાં આવ્યો હતો.
બંધારણમાં રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો (ડીપીએસપી)ની કલમ 47 જણાવે છે કે રાજ્યે ઔષધીય હેતુઓ સિવાય સ્વાસ્થ્ય માટે હાનિકારક નશાકારક પીણાં અને દવાઓના વપરાશ પર પ્રતિબંધ મૂકવા માટે કામ કરવું જોઈએ. ‘દારૂની કંપનીઓ સાથે કરાર કરીને, શું ભાજપ સરકાર મહારાષ્ટ્રને ‘દારૂ રાજ્ય’માં ફેરવવા માગે છે?’ એમ પટોલેએ પૂછ્યું હતું.