મહારાષ્ટ્રમાં 3 વર્ષમાં 14,526 બાળ મૃત્યુ: વિધાનસભામાં જાહેર આરોગ્ય પ્રધાનનો ખુલાસો

નાગપુર: મહારાષ્ટ્રના સાત જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૪,૫૨૬ બાળ મૃત્યુ નોંધાયા છે, એમ જાહેર આરોગ્ય પ્રધાન પ્રકાશ આબિટકરે સરકારી રેકોર્ડનો ઉલ્લેખ કરીને વિધાનસભામાં જણાવ્યું હતું.
૨૦૨૨-૨૩ અને ૨૦૨૪-૨૫ની વચ્ચે, પુણે, મુંબઈ, છત્રપતિ સંભાજીનગર, નાગપુર, અમરાવતી, અકોલા અને યવતમાલ જિલ્લામાં ૧૪,૫૨૬ બાળકોના મૃત્યુ નોંધાયા હતા. આ આંકડામાં સરકારી સુવિધાઓમાં દાખલ કરાયેલા શિશુઓ અને પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો તેમ જ ગંભીર કુપોષણના કેસનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : શોકિંગઃ પાલઘરમાં ડિલિવરી વખતે 31 વર્ષની મહિલાનું હાર્ટ એટેકથી મોત, બાળકનું મૃત્યુ
પ્રધાને એમ પણ કહ્યું કે પાલઘર જિલ્લામાં ૧૩૮ શિશુ મૃત્યુ નોંધાયા છે. નવેમ્બર ૨૦૨૫ સુધીના રાજ્ય આરોગ્ય વિભાગના ડેટાનો ઉલ્લેખ કરીને આબિટકરે જણાવ્યું હતું કે ૨૦૩ બાળકો ગંભીર કુપોષણથી અને ૨,૬૬૬ મધ્યમ કુપોષણથી પીડાતા હતા.
આબિટકરે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કુપોષણ ઘટાડવા માટે સંકલિત બાળ વિકાસ સેવા કાર્યક્રમ હેઠળ અનેક પગલાં અપનાવ્યાં છે, જેમાં નિયમિત આરોગ્ય પરીક્ષાઓ, સગર્ભા સ્ત્રીઓ માટેની ડૉ. એપીજે અબ્દુલ કલામ અમૃત આહાર યોજના, કુપોષિત બાળકો માટે લક્ષિત હસ્તક્ષેપો, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અને ‘સુપોષિત મહારાષ્ટ્ર’ પહેલનો સમાવેશ થાય છે.



