મહારાષ્ટ્રમાં ભાજપની સમસ્યાઓનો અંત ક્યારે?

અજિત પવારના પુત્રના જમીન વિવાદને કારણે ફરી એક વખત ટીકાનો ભોગ, ફડણવીસે આપ્યો તપાસનો આદેશ: અજિત પવારે કહ્યું કે નિયમ બાહ્ય કૃતિને સમર્થન નહીં: વિપક્ષના નિશાન પર ભાજપ
વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાજપની સમસ્યાઓનો કોઈ અંત જોવા મળતો નથી. કોઈપણ રીતે સંબંધ ન હોવા છતાં રાજ્યમાં જેટલા વિવાદ થઈ રહ્યા છે, તે બધામાં જ ભાજપ અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને સતત કેટલાક આંતરિક ઘર્ષણ અને રાજકીય પડકારોનો સામનો કરી રહ્યું છે. અત્યારે અજિત પવારના પુત્રના જમીન ખરીદીનો વિવાદ રાજકીય વમળનું કેન્દ્ર બન્યો છે.
અજિત પવારના પુત્ર દ્વારા પુણેમાં એક જમીનની 300 કરોડમાં ખરીદી કરવામાં આવી હતી. આ જમીન પર ફક્ત રૂ. 500ની સ્ટેમ્પ ડ્યૂટી ભરવામાં આવી હતી અને રાજ્ય સરકારની તિજોરીને રૂ. 21 કરોડનું નુકસાન થયું હોવાનું કહેવાઈ રહ્યું છે. એટલું જ નહીં, આ જમીન સરકારી હોવા છતાં એને પાર્થ પવારની કંપનીને હસ્તાંતરિત કરવા બદલ એક સબ-રજિસ્ટ્રારને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે અને પ્રકરણની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આ પ્રકરણે વિપક્ષના નિશાન પર અજિત પવાર ઓછા અને ભાજપ તેમ જ દેવેન્દ્ર ફડણવીસ વધારે છે. આમ આખા પ્રકરણ સાથે સ્નાન સૂતકનો સંબંધ ન હોવા છતાં ફડણવીસની સમસ્યામાં વધારો થયો છે. આવું પહેલી વખત નથી થયું આ પહેલાં પણ ગયા વર્ષમાં આવા અનેક પ્રકરણ થયા છે.
આ પણ વાંચો: અજિત પવારના પુત્ર સાથે જોડાયેલી પેઢી દ્વારા રૂ. 300 કરોડના જમીન સોદોઃ રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાટો
ગઠબંધનમાં સંકલન સાથે સંકળાયેલ મુદ્દાઓ: શાસક ભાગીદારો (ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારનો એનસીપી જૂથ) વચ્ચે સરકારી પહેલ માટે શ્રેય લેવાની સ્પર્ધા અને વિવિધ વૈચારિક વલણો સહિત વિવિધ મુદ્દાઓ પર ઘર્ષણના અહેવાલો આવ્યા છે. દાખલા તરીકે, શિવસેનાના વિધાનસભ્ય રવિન્દ્ર ધંગેકરે ભાજપના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોળ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા, જેને એકનાથ શિંદેએ તેમને ગઠબંધનની અંદર ‘અરાજકતા’ રોકવા માટે સમાપ્ત કરવા કહ્યું હતું.
ચૂંટણી પંચ પર વિપક્ષની ટીકા: વિપક્ષો, ખાસ કરીને શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે, ચૂંટણી પંચની આકરી ટીકા કરી છે અને સવાલ કર્યો છે કે શું ભાજપ પાસે 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષપાત અને ‘મેચ-ફિક્સિંગ’ના આરોપો સામે ચૂંટણી સંસ્થાનો બચાવ કરવાનો ‘કરાર’ છે.
ભાષા વિવાદ: શાળાઓમાં હિન્દીને ‘ત્રીજી ભાષા’ તરીકે જાહેર કરવાના રાજ્ય સરકારના નિર્ણયથી વિવાદ સર્જાયો હતો, વિપક્ષે ભાજપ પર હિન્દી લાદવાનો અને મુખ્યત્વે મરાઠી ભાષી રાજ્યમાં ભાષાકીય વિભાજન કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: અજિત પવારે મહારાષ્ટ્ર ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પદની ચૂંટણી બિનહરીફ જીતી
જાતિ આધારિત અને સામાજિક મુદ્દાઓ: સરકારે મરાઠા અનામત આંદોલન અને પછી ઓબીસી અનામત રક્ષણ આંદોલન જેવા સંવેદનશીલ મુદ્દાનું સંચાલન કરવું પડ્યું છે, જેને કેટલાક લોકો દ્વારા નિરાકરણ લાવવા બદલ દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરવામાં આવી રહી છે, જ્યારે વિપક્ષના લોકોએ દાવો કર્યો હતો કે સરકારે આંદોલનકારીઓને ‘છેતર્યા’ હતા.
મરાઠવાડામાં પૂર અને કૃષિ લોન માફી: રાજકીય મુદ્દાઓ અધુરા હોય એમ રાજ્યના મરાઠવાડામાં અભૂતપૂર્વ પૂર આવ્યા અને હજારો એકર જમીનનું ધોવાણ થઈ ગયું અને આને કારણે વિપક્ષ દ્વારા ખેડૂતોને સહાય આપવાની અને કૃષિ લોન માફ કરવાની માગણી જોરશોરથી ઉઠાવવામાં આવી રહી છે. રાજ્ય નવ લાખ કરોડથી વધુના દેવામાં છે ત્યારે આ મુદ્દો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ માટે વધુ એક મોટા પડકાર સમાન છે અને તેમની સમસ્યાનો અંત આવતો દેખાતો નથી.
જ્યારે આવા મુદ્દાઓ રાજકીય પડકારો રજૂ કરે છે અને વિપક્ષ દ્વારા સરકારને નિશાન બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગયા ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણીમાં નિર્ણાયક વિજય મેળવીને ભાજપની આગેવાની હેઠળની સરકારમાં મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી દેવેન્દ્ર ફડણવીસના નસીબમાં આવા ઘણા વિવાદ આવ્યા છે અને તેમની સમસ્યાઓનો કોઈ અંત દેખાતો નથી.



