મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ દિલ્હીમાં અમિત શાહને મળ્યા

નાગપુર: મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ રાજ્યમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી પહેલા સંગઠનાત્મક ચર્ચા માટે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા.
ગુરુવારે સૂત્રોએ એવી માહિતી આપી હતી કે ચવ્હાણે રાષ્ટ્રીય રાજધાનીમાં શાહ સાથે મોડી રાત્રે મુલાકાત કરી હતી, જે દરમિયાન તેમણે રાજ્યમાં તાજેતરના ઘટનાક્રમ વિશેની માહિતી આપી હતી.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વચ્ચે ચૂંટણીની તૈયારીઓ અંગે થયેલી ચર્ચા બાદ રાજ્ય ભાજપ પ્રમુખની મુલાકાત થઈ હોવાથી તેને મહત્ત્વની માનવામાં આવી રહી છે.
આપણ વાચો: ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર ચવ્હાણે મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવી
સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન ફડણવીસ અને શિંદે વચ્ચેની ચર્ચાનો સારાંશ શાહને પહોંચાડવામાં આવ્યો હતો.
ભાજપના સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પ્રભારી ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું છે કે શાસક મહાયુતિના ઘટકો – ભાજપ, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને અજિત પવારની એનસીપી – સાથી પક્ષ તરીકે ચૂંટણી લડશે.
બીજી ડિસેમ્બરના રોજ યોજાયેલી વિવિધ નગર પરિષદો અને નગર પંચાયતોની ચૂંટણીમાં, મહાયુતિના ઘટકોને કેટલીક જગ્યાએ એકબીજા સામે ઉગ્ર સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં, શાસક સાથી પક્ષોના સમર્થકો પણ મારામારી પર ઉતર્યા હતા.
ચૂંટણી અધિકારીઓએ હજુ સુધી રોકડથી ભરપૂર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત વિવિધ નાગરિક સંસ્થાઓની ચૂંટણીઓનું સમયપત્રક જાહેર કર્યું નથી.
સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ, મહારાષ્ટ્રમાં વિવિધ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ 31 જાન્યુઆરી, 2026 સુધીમાં પૂર્ણ કરવાની છે.



