
મુંબઈ: રાજ્યના કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેને વિધાન પરિષદમાં તેમના મોબાઇલ ફોન પર રમી રમતા દર્શાવવામાં આવ્યા હતા એ વાયરલ વીડિયોની આંતરિક તપાસ મહારાષ્ટ્ર વિધાનસભા સચિવાલય કરી રહ્યું છે એમ સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું.
એનસીપી (એસપી)ના વિધાનસભ્યો રોહિત પવાર અને જિતેન્દ્ર આવ્હાડે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરેલી આ ક્લિપ ઉપલા ગૃહની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે 10 જુલાઈએ બપોરે 1.40 વાગ્યાની આસપાસ રેકોર્ડ કરવામાં આવી હતી એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: માણિક કોકાટેના રમી કેસ પછી, પુણેની ગ્રામ પંચાયતે કેસિનો ક્લબ ખોલવાની પરવાનગી માગી
વીડિયોમાં પીડબ્લ્યુડી પ્રધાન શિવેન્દ્ર સિંહ ભોસલે અને શાસક મહાયુતિ જોડાણના ભાજપના વિધાન પરિષદના સભ્ય સદાભાઉ ખોત કોકાટેની આસપાસ બેઠેલા જોવા મળે છે. બંનેમાંથી કોઈ પણ અને કોકાટે નજીક બેઠેલા અન્ય લોકો પણ તેમના મોબાઇલ ફોનથી કોઈ “પ્રવૃત્તિ” કરતા જોવા નથી મળતા એમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રો દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે કે ‘આ વીડિયો ઉપરની ગેલેરીઓમાંથી શૂટ કરવામાં આવ્યો છે. દસ દિવસ પછી પબ્લિક ડોમેનમાં આવી ક્લિપ સામે આવવાનો હેતુ શું છે?’ રાજ્ય વિધાનસભાનું ત્રણ સપ્તાહનું ચોમાસું સત્ર 18 જુલાઈએ સમાપ્ત થયું હતું.
આ પણ વાંચો: કોકાટેનો વીડિયો વિવાદઃ બદનામી કરનારા વિપક્ષી નેતા સામે કાયદાકીય કાર્યવાહી કરશે
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આંતરિક તપાસમાં એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે વિધાન પરિષદમાં કાર્યવાહી દરમિયાન કોણે કોકાટેનું ફિલ્માંકન કર્યું હતું.
નાશિક જિલ્લાના સિન્નર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા કોકાટેએ આ આરોપો નકારી વિરોધ પક્ષના વિધાનસભ્યો સામે બદનક્ષીનો દાવો કરવાની ધમકી આપી છે. તેણે દાવો કર્યો છે કે તેમને ઓનલાઇન રમી ગેમ રમતાં પણ નથી આવડતું. (પીટીઆઈ)