Maharashtra Election Result Live: હવે વિપક્ષના નેતા કોણ? કેટલી સીટની આવશ્યક્તા?
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યા છે. મહાવિકાસ આઘાડી (MVA)નો રકાસ થયો છે અને મહાયુતિ બમ્પર જીત તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધીના પરિણામો પર એક નજર કરીએ તો મહાયુતિ ગઠબંધન 224-225 બેઠક પર આગળ ચાલી રહી છે અને મહાવિકાસ અઘાડી 55 બેઠક પર આગળ ચાલી રહી છે. મતલબ કે મહાવિકાસ અઘાડીની ભૂંડી હાર થઇ છે. આ સંજોગોમાં વિપક્ષના નેતાની ખુરશી માટે સંકટ ઊભું થયું છે. મહારાષ્ટ્રમાં વિપક્ષની પાર્ટી માટે નેતાનું સંખ્યાબળ 29 હોવું જોઇએ.
…તો વિપક્ષના નેતા માટે સંકટ
કૉંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) મહાવિકાસ આઘાડીનો ભાગ છે. હાલમાં લખાય છે ત્યારે મુખ્ય પક્ષોમાંથી કોઇની પાસે પણ 29 બેઠકનું સંખ્યાબળ નથી. હાલમાં કોંગ્રેસ 23 સીટ પર આગળ છે, ઉદ્ધવ ઠાકરેની શિવસેના 18 સીટો પર અને શરદ પવારની એનસીપી 17 સીટ પર આગળ છે. આને કારણે હવે વિપક્ષના નેતા માટે સંકટ સર્જાઇ શકે છે.
મહાયુતિમાં ‘સીએમ’ પદની ચિંતા
આ ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી છે. હાલમાં ભાજપ 128 સીટ પર, શિંદે સેના 57 સીટ પર અને અજિત પવારની એનસીપી 39 સીટ પર આગળ છે. આમ હવે એક તરફ મહાવિકાસ આઘાડી માટે વિપક્ષમાં કેમ રહીશું તેની ચિંતા છે, તો મહાયુતિ માટે મુખ્ય પ્રધાન પદ કોને આપવું તેની ચિંતા છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ: પતિ ફહાદ પાછળ રહેતા સ્વરા ભાસ્કરે EVM પર સવાલ ઉઠાવ્યા
અજિત પવાર હજુ સીએમ ઈન વેઈટિંગ
ભાજપ સીએમ પદ માટે દાવો કરે છે તો બીજી તરફ શિંદે સેના સીએમ પદ માટે દાવો કરી રહી છે અને જણાવી રહી છે કે વધુ સીટ મળવાનો અર્થ સીએમ નથી થતો અને અજિત પવાર તો હજી પણ ‘CM In Waiting’ના લિસ્ટમાં છે જ. સાત વખત ડેપ્યૂટી સીએમ રહેલા અજિત પવારની સીએમ થવાની ઇચ્છા તો જગજાહેર છે. જોકે, હાલમાં તો એમ જાણવા મળે છે કે મુખ્ય પ્રધાન પદને લઈને ફડણવીસે કહ્યું છે કે ત્રણેય પક્ષો સાથે મળીને નિર્ણય લેશે. આગામી બે ત્રણ દિવસમાં ચિત્ર વધુ ક્લિયર થશે.