Election: કોંગ્રેસને નવી મુંબઈમાંથી ફટકો, પૂર્વ ડેપ્યુટી મેયર ભાજપમાં જોડાયા
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Election)માં મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં કોંગ્રેસ પાર્ટીને બીજો આંચકો લાગ્યો છે. બીએમસી વિપક્ષના નેતા રવિ રાજા બાદ, હવે નવી મુંબઈના ચીફ અનિલ કૌશિક ભાજપમાં જોડાયા છે. કૌશિક નવી મુંબઈ કોંગ્રેસ સમિતિના વડા હતા. તેઓ નવી મુંબઈના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે.
ચૂંટણી વચ્ચે કૌશિકના કોંગ્રેસ છોડવાને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. જ્યારે પાલિકા (બીએમસી)ના કોંગ્રેસના પૂર્વ નેતા વિપક્ષ રવિ રાજા ભાજપમાં જોડાયા ત્યારે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ભવિષ્યવાણી કરી હતી કે કેટલાક વધુ નેતાઓ કોંગ્રેસ છોડી દેશે. મહારાષ્ટ્રમાં રાજ્ય વિધાનસભાની ૨૮૮ બેઠક માટે ૨૦ નવેમ્બરે મતદાન થશે. ઝારખંડની સાથે ૨૩મી નવેમ્બરે પરિણામ આવશે.
આ પણ વાંચો :વિધાનસભા ચૂંટણી પહેલા ઝારખંડની શાળામાંથી 1.15 કરોડ રોકડા મળ્યા, ભાજપા નેતાની સંડોવણી
નવી મુંબઈમાં કોંગ્રેસનું નેતૃત્વ કરી રહેલા અનિલ કૌશિક ભાજપમાં જોડાવાને કારણે એમવીએની તૈયારીઓને ફટકો પડી શકે છે. રાજકીય વિશ્લેષકો માને છે કે નવી મુંબઈ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અનિલ કૌશિક ભાજપમાં જોડાવાથી મહા વિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધન નબળું પડી શકે છે, પરંતુ કોંગ્રેસનું મોવડી મંડળ માને છે કે તેમના જવાથી પાર્ટી મજબૂત થશે.
નવી મુંબઈમાં રાજકીય મતભેદનો આ પહેલો કિસ્સો નથી. મહા વિકાસ આઘાડી માટે આ બીજો ફટકો છે. અગાઉ એનસીપી (એસપી)ને પણ આંચકો લાગ્યો હતો. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કાઉન્સિલર રાજુ (વિક્રમ) શિંદે પણ ભાજપમાં જોડાયા. આ ત્યારે થયું છે જ્યારે એમએમઆરમાં મહાયુતિની સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત માનવામાં આવે છે.