સુનેત્રા પવારની આકરી કાર્યવાહી, એનસીપીમાં સન્નાટો

શરદ પવારનું નિવેદન, એનસીપીની બેઠક અને અજિતદાદાના ખાસ માણસનો ‘ખેલ’
વિપુલ વૈદ્ય
મુંબઈ: સુનેત્રા પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ એક એવું આકરું પગલું લીધું છે જેને કારણે અજિતદાદના એક ખાસ માણસનો ‘ખેલ’ થઈ ગયો છે. નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી, સુનેત્રા પવારને ખાતાંની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ દિવસ દરમિયાન મુંબઈમાં એનસીપીની કચેરીમાં એક અલગ પ્રકારની ઘટના બની. હવે એવું સામે આવી રહ્યું છે કે અજિત પવારના અત્યંત વિશ્ર્વાસુ નરેશ અરોરાને હાંકી કાઢવામાં આવ્યા છે. એવું પણ પ્રકાશમાં આવ્યું છે કે એનસીપીના નેતાઓમાં અરોરા પ્રકરણ પછી ભારે સન્નાટો જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અજિતદાદાના અવસાન પછી, એનસીપીમાં છેલ્લા બે દિવસથી અલગ અલગ ઘટનાઓએ વેગ પકડ્યો છે. પવાર પરિવાર બારામતીમાં અજિતદાદાના વિસર્જન કાર્યક્રમમાં વ્યસ્ત હતો, ત્યારે નરેશ અરોરાનું નામ સામે આવ્યું હતું. સુનેત્રા પવારે નાયબ મુખ્ય પ્રધાનની જવાબદારી સ્વીકારવા માટે તૈયાર છે તે જાણ્યા પછી નરેશ અરોરા મુંબઈ પહોંચશે તેવા અહેવાલ પણ હતા. શનિવારે મુંબઈમાં એનસીપીના નેતાઓ પ્રફુલ્લ પટેલ, સુનીલ તટકરે, છગન ભુજબળ વગેરે હાજર હતા. આ એનસીપીની કોર કમિટીની બેઠક હતી. આ બેઠકમાં નરેશ અરોરા હાજર હતા.
આ બેઠકમાં સૂનેત્રા પવારને જૂથ નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ બેઠકમાં, અરોરાએ કેટલાક સૂચનો કર્યા હતા. હવે આગળ શું કરી શકાય, કોને કઈ જવાબદારી સોંપવી જોઈએ તે અંગે ચર્ચા થઈ હતી.
જોકે કેટલાક મુદ્દાઓ પર વિવાદ થયો હતો. સૂત્રોએ માહિતી આપી હતી કે એનસીપીના ટોચના નેતાઓ અરોરાના મુદ્દાને બિલકુલ સમજી શક્યા ન હતા. અરોરા દ્વારા આપવામાં આવેલા નિર્દેશો પર ઘણો વિવાદ થયો હતો. અંતે, અરોરા આ બેઠકમાંથી બહાર નીકળી ગયા. ત્યારબાદ, તેઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા ન હતા. તેથી, હવે માહિતી સામે આવી છે કે નરેશ અરોરાનું પત્તું કાપી નાખવામાં આવ્યું છે.
શરદ પવારના નિવેદનને કારણે નરેશ અરોરાનું પત્તુ કપાયું?
એક તરફ, મુંબઈમાં એનસીપીની કોર કમિટીની બેઠક અને શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી હતી. બીજી તરફ, બારામતીમાં, શરદ પવાર અને પવાર પરિવારને અંધારામાં રાખવામાં આવ્યા હોવાનું નિવેદન શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને કર્યું હતું. શરદ પવારને નરેશ અરોરા માટે સવાલ પણ પુછવામાં આવ્યો હતો. આ બધા ઘટનાક્રમની ગંભીર નોંધ લેવામાં આવી હતી. શરદ પવાર દ્વારા જે રીતે સૂનેત્રા પવાર પરિવારથી દૂર થઈ ગયા હોવાનો સંકેત આપવામાં આવ્યો અને એનસીપીના ચાર નેતાઓને વિલન બનાવવામાં આવ્યા તેને પગલે નરેશ અરોરા પર શંકાની સોઈ ગઈ હતી અને નાયબ મુખ્ય પ્રધાનપદના શપથ લીધા બાદ સૂનેત્રા પવારે ગણતરીના કલાકોમાં મહત્ત્વનો નિર્ણય લઈને તેમને હાંકી કાઢ્યા હતા.
નરેશ અરોરા કોણ છે?
નરેશ અરોરા એક ચૂંટણી રણનીતિકાર છે. તેઓ પુણે સ્થિત કંપની ડિઝાઇનબોક્સ્ડ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડના સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમની કંપની ડિજિટલ મીડિયા ઝુંબેશ, ઝુંબેશ સંચાલન, સોશિયલ મીડિયા ઝુંબેશ અને રાજકીય પક્ષો માટે બ્રાન્ડિંગનું કામ કરે છે. અરોરાની કંપની 2011થી કામ કરી રહી છે. લાડકી બહિણ યોજના પછી, અરોરાએ અજિત પવારના ગુલાબી જેકેટને ઝુંબેશમાં ફેરવી નાખી હતી, જેનાથી અજિત પવારની લોકપ્રિયતામાં ખાસ્સો વધારો થયો હતો. વિધાનસભા ચૂંટણીમાં આ ઝુંબેશથી અજિતના જૂથને ઘણો ફાયદો થયો હતો. આ કારણે, તેઓ અજિતના ખાસ બન્યા હતા.
જોકે, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન, પુણે ક્રાઇમ બ્રાન્ચે અરોરાની કાર્યાલય પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ, અજિત પવારે સ્પષ્ટતા કરી હતી કે આ પ્રક્રિયામાં કોઈ વાંધાજનક બાબત કે કોઈ અનિયમિતતા મળી નથી. ઉપરાંત, રાષ્ટ્રવાદી પાર્ટી નરેશ અરોરા અને તેમના સંગઠન ‘ડિઝાઇનબોક્સ્ડ’ ની પાછળ મજબૂતીથી ઉભી રહી હતી, પરંતુ હવે તેમનું પત્તું કપાઈ જતાં રાજકીય વિશ્ર્લેષકોમાં અનેક ચર્ચા ચાલી રહી છે.
આ કાર્યવાહી દ્વારા એનસીપીના નેતાઓને સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે જે વ્યક્તિ શરદ પવારના સંપર્કમાં જોવા મળશે તેને કાર્યવાહીનો સામનો કરવો પડશે, જેને કારણે અત્યારે એનસીપીના નેતાઓમાં ગભરાટનું વાતાવરણ છે.
આ પણ વાંચો નવી મુંબઈમાં મૅયર પદ માટે ગણેશ નાઈક અને એકનાથ શિંદે ફરી સામ-સામે



