Assembly Election: અજિત પવાર જૂથને ફટકો, વધુ એક નેતાનો બળવો

મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને મંગળવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. એવામાં નાશિકમાં સમીર ભુજબળ પછી અજિત પવારના વધુ એક નેતાઓ બળવો પોકાર્યો હતો.
થોડા દિવસ પહેલા ભૂતપૂર્વ સાંસદ સમીર ભુજબળે અજિત પવાર જૂથની એસપીના મુંબઈ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ નાંદગાવ વિધાનસભા મતવિસ્તારમાંથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. એકનાથ શિંદેની શિવસેનાના વિધાનસભ્ય સુહાસ કાંદે સામે સમીર ભુજબળે પડકાર ઊભો કર્યો તેથી મહાયુતિમાં ફેલાયેલો અસંતોષ પ્રકાશમાં આવ્યો હતો.
તેની સાથે નાશિક મધ્ય મતવિસ્તારમાં મહાયુતિમાં બળવો થયો. અજિત પવાર જૂથના શહેરાધ્યક્ષ રંજન ઠાકરેએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી. ભાજપનાં વિધાનસભ્ય દેવયાની ફરાંદેએ ઉમેદવારી આપી છે ત્યારે રંજન ઠાકરેએ તેમના વિરુદ્ધ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાગરમી ઊભી થઇ છે. રંજન ઠાકરેની ઉમેદવારીને કારણે ભાજપ માટે મુશ્કેલી ઊભી થઇ શકે છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપે વધુ 2 ઉમેદવારોના નામ જાહેર કર્યા: ઉમેદવારોનો આંકડો 148
નાશિક મધ્ય મતદારસંઘમાં ચાર જણ મેદાનમાં
નાશિક મધ્ય મતવિસ્તારમાં મહાવિકાસ આઘાડીના ઉમેદવાર વસંત ગિતેએ નામાંકન ભર્યા બાદ કૉંગ્રેસના પ્રદેશ પ્રવક્તા હેમલતા પાટીલે બળવો કરીને ઉમેદવારી નોંધાવી. મહાયુતિ તરફથી ભાજપના દેવયાની ફરાંદે મેદાનમાં ઊતર્યા બાદ હવે અજિત પવાર જૂથના નેતા રંજન ઠાકરેએ પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. તેથી આ મતવિસ્તારમાં ચાર જણ વચ્ચે લડત જામશે.