મહારાષ્ટ્રે 61 એમઓયુ પર હસ્તાક્ષર કર્યા, 15.70 લાખ કરોડ રૂપિયાનું રોકાણ, 16 લાખ નોકરીઓ: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે જણાવ્યું હતું કે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની તેમની મુલાકાત દરમિયાન 15.70 લાખ કરોડ રૂપિયાના રોકાણ અને રાજ્યમાં 16 લાખ નોકરીઓ પૂરી પાડવાની ક્ષમતા ધરાવતા 61 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
20 જાન્યુઆરીથી સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં ડબ્લ્યુઈએફની વાર્ષિક પાંચ દિવસની બેઠક ચાલી રહી છે. મુખ્ય પ્રધાન ફડણવીસ રાજ્યના પ્રતિનિધિમંડળ સાથે બેઠકમાં હાજરી આપી રહ્યા છે.
દાવોસથી ઝૂમ લિંક દ્વારા કેટલાક પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે આમાંથી સાત એમઓયુ રોકાણ નહીં પણ ગતિશીલતા અને શિક્ષણમાં જ્ઞાન માટે વ્યૂહાત્મક ભાગીદારી માટેના છે.
તેમણે જણાવ્યું હતું કે તમામ એમઓયુમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ, આઇટી, સ્ટીલ, સંરક્ષણ, કાપડ, સૌર, બાયોટેકનોલોજી, ફાર્મા વગેરે ક્ષેત્રોમાં 98 ટકા એફડીઆઈ ઘટક છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) અને પુણે માટે છ લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર, પાંચ લાખ રૂપિયા વિદર્ભ માટે, 30,000 કરોડ રૂપિયા ઉત્તર મહારાષ્ટ્ર માટે અને 20-25000 રૂપિયા મરાઠવાડા માટે આવ્યા છે, એમ ફડણવીસે જણાવ્યું હતું.
આ સમજૂતી કરારોનો અમલ દર 65-70 ટકા છે, એમ તેમણે જણાવ્યું હતું.
મોટાભાગના સમજૂતીના કરાર ટકાઉપણું, ગ્રીન હાઇડ્રોજન અને સ્વચ્છ બળતણ સાથે જોડાયેલા છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ વર્ષના ડબ્લ્યુઈએફની થીમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) છે, એમ તેમણે કહ્યું હતું.
‘એઆઈએ ઉદ્યોગ અને રોજગાર બજાર બદલી નાખ્યું છે અને આપણે ટેકનોલોજીને સ્વીકારવી પડશે. મારી સરકાર મહારાષ્ટ્રને એઆઈમાં પ્રથમ બનાવવાની યોજના ધરાવે છે. નવી મુંબઈમાં એક ઇનોવેશન સિટીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જે બધી નવીનતાઓ માટે ઇકો-સિસ્ટમ બનાવશે, એમ ફડણવીસે કહ્યું હતું.
શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ ગુરુવારે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં થયેલા 29 રોકાણ સમજૂતી કરારોમાંથી માત્ર એક જ કંપની ભારતની બહારની છે.
ઠાકરેના દાવા વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, ‘દાવોસ એક આંતરરાષ્ટ્રીય નેટવર્કિંગ સેન્ટર છે. ભારતીય કંપનીઓ ઇચ્છે છે કે આપણે તેમના વિદેશી ભાગીદારોને મળીએ. વિશ્ર્વભરના સીઈઓ દાવોસ આવે છે અને વિશ્ર્વભરના રોકાણકારો સાથે વાતચીત કરવાની તક મળે છે.’
‘જો લોકો રેકોર્ડ સમજૂતી કરારોથી ખુશ ન હોય તો શું કરી શકાય, જે રાજ્યના હિતમાં છે,’ એમ ફડણવીસે શિવસેના (યુબીટી)ના નેતા અને ભૂતપૂર્વ રાજ્ય કક્ષાના પ્રધાન પર કટાક્ષ કરતા કહ્યું.