ISISને ફંડિંગઃ એટીએસે એક એન્જિનિયરને પકડ્યો
મુંબઈ: મહારાષ્ટ્ર પોલીસની એન્ટિ ટેરરિસ્ટ સ્કવોડ (ATS) દ્વારા આતંકવાદી જૂથ આઇએસઆઇએસને સમર્થન અને ફંડિંગ આપવાના આરોપ સામે નાશિકમાંથી એક એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી એન્જિનિયરની ધરપકડ બાદ તેનાથી પૂછપરછ કરવામાં આવી રહી છે.
આરોપીની આઇએસઆઇએસને સમર્થન આપવા અને ફંડિંગ પૂરું પાડવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી તેમ જ આ આરોપી વિદેશમાંથી પણ ફંડિંગ મેળવી આતંકવાદીઓને આપવાની માહિતી એક અધિકારીએ આપી હતી. આ આરોપીની 31 જાન્યુઆરી સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ નાશિક કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના નાશિકમાંથી ધરપકડ કરવામાં આવેલા આરોપી એન્જિનિયરની ઉંમર 32 વર્ષ છે. આ આરોપી નાશિકમાં આયાત-નિકાસનો વેપારી છે. એટીએસને મળેલી એક ગોપનીય માહિતી મુજબ આ આરોપીએ આઇએસઆઇએસને ત્રણ વખત પૈસા ઇરાક અને સિરિયા જેવા દેશોમાં મોકલ્યા હતા. આ આરોપીની અટક કરી તેની પાસેથી મોબાઇલ અને સિમ કાર્ડ, લેપટોપ વગેરે વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી હતી. આ મામલે એક એટીએસ અધિકારીએ માહિતી આપી હતી કે ધરપકડ કરવામાં આવેલા 32 વર્ષના આરોપી એન્જિનિયર હુસેફ અબ્દુલ અઝીઝ શેખ 2019થી આતંકવાદીઓને ફંડિંગ પૂરું પાડતો હતો. આરોપી સિરિયાની કોઈ મહિલા સાથે મળીને આતંકવાદીઓને પૈસા મોકલતો હતો. આતંકવાદીઓને પૈસા મોકલવામાં વધુ કોણ કોણ સામેલ છે એ મામલે વધુ તપાસ ચાલી રહી છે.