ઘોડાને કારણે મહાબળેશ્વરમાં ફેલાય છે ચેપ: વેન્ના તળાવમાં મળ ભળતા સ્થાનિકો અને પર્યટકોના આરોગ્ય પર જોખમ
પુણે: મહાબળેશ્વરનું વેન્ના તળાવ એટલે પર્યટકો માટે આકર્ષણનું સ્થળ. પણ આ તળાવમાં ઘોડાનું મળ ભળતાં તેને કારણે વર્ષોથી રોગચાળો ફેલાઇ રહ્યો હોવાની વિગતો એક રીસર્ચમાં જાણવા મળી છે. ઘોડાનો મળ તળાવના પાણીમાં ભળતો હોવાથી ફૂડ પોઇઝનીંગ, શ્વાસને લગતી બિમારીઓ, ફંગલ ઇન્ફેક્શન અને ટાયફોઇડ જેવી બિમારીઓ થતી હોવાની વિગતો આ રિસર્ચમાં જાણવા મળી છે.
ગોખલે રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર સંસ્થાના સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેલલપમેન્ટ (સીએસડી) ના માધ્યમથી આરોગ્ય લક્ષી એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે મહાબળેશ્વરની પસંદગી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રોફેસર ડો. પ્રીતી મસ્તકારના નેતૃત્વમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. મહાબળેશ્વરમાં અનેક વર્ષોથી સ્થાનિકો અને પર્યટકોને ફૂડ પોઇઝનીંગ, શ્વાસને લગતી બિમારીઓ, ફંગલ ઇન્ફેક્શન અને ટાયફોઇડ જેવી બિમારીઓ થતી હોવાની જાણકારી મળી છે. આનું કારણ જ્યારે શોધવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ઘોડાનો મળ પીવાના પાણીમાં ભળતો હોવાથી તે પાણીના મારફતે લોકોના પેટમાં જવાથી ગંભીર બિમારીઓ થતી હોવાની વિગતો જાણવા મળી હતી.
આ અભ્યાસ માટે મહાબળેશ્વર અને પંચગની આ બંને શહેરોના પીવાના પાણીનો સ્ત્રોત વેન્ના તળાવના પાણી સહિત અન્ય તમામ સ્ત્રોત, જળ શુદ્ધિકરણ કેન્દ્રો, ઘર, ઓફીસસી અને ભૂજળના નમૂના લેવામાં આવ્યા હતાં.
આ તમામ પીવાના પાણીમાં પ્રદૂષકો મળી આવ્યા હતાં. ત્યાર બાદ સંશોધકોએ આ પ્રદૂષકોનું મૂળ શોધવાનો પ્રયાસ કર્યો. આ સંશોધનમાં તળાવ પાસે ઊભા રહેનારા ઘોડાઓનો મળ તળાવમાં ભળી પીવાના પાણી મારફતે લોકોમાં ચેપ ફેલાવતો હોવાની વિગતો જાણવા મળી હતી. એટલું જ નહીં પણ પીવાના પાણીની પાઇપલાઇન જ્યાંથી પસાર થાય છે તેની આજુબાજુ પણ ઘોડાના મળ વાળો કચરો જોવા મળે છે. ઘોડાના મળમાં પ્રદૂષકો ઉપરાંત અનેક બેક્ટેરિયા હોવાથી પાણી દૂષિત થતાં બિમારીઓ વધી રહી છે એ વાત આ અભ્યાસમાં સાબિત થઇ હતી.