મહાવિકાસ આઘાડીને ફટકો, રાજ્યપાલ દ્વારા નિયુક્ત સભ્યો અંગેની અરજી હાઈ કોર્ટે ફગાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યપાલ દ્વારા વિધાન પરિષદમાં નિયુક્ત 12 સભ્યોના કિસ્સામાં ગુરુવારે મહા વિકાસ આઘાડીને મોટો ફટકો પડ્યો હતો. આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી હતી.
આનાથી એમવીએને આઘાત લાગ્યો છે. આ અરજી શિવસેના (યુબીટી)ના કોલ્હાપુર શહેર પ્રમુખ સુનીલ મોદીએ દાખલ કરી હતી. દરમિયાન, પિટિશનરે કહ્યું હતું કે, તેઓ હાઈકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જશે.
રાજ્યપાલ દ્વારા નિયુક્ત વિધાનસભ્યોની નિમણૂકના વિરોધમાં દાખલ કરાયેલી પિટિશનને મુદ્દે મહાવિકાસ આઘાડીને આઘાત લાગ્યો છે. રાજ્યપાલ દ્વારા નિયુક્ત 12 સભ્યો વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે.
આપણ વાંચો: મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા પદને લઈને મહા વિકાસ આઘાડીમાં પડી ફૂટ?
આ અરજી જસ્ટિસ બોરકર અને જસ્ટિસ ઉપાધ્યાયની બેન્ચ સમક્ષ દાખલ કરવામાં આવી હતી. તેને નકારી કાઢવામાં આવ્યા બાદ, અરજદાર સુનિલ મોદીએ કહ્યું કે તેઓ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
મોદીએ કહ્યું હતું કે, શું બંધારણને આધારે અરજી ફગાવી દેવામાં આવી છે? તેનો અભ્યાસ કરવો પડશે. આ અરજીની સુનાવણી દરમિયાન, અમે ઘણા રાજ્યોના પુરાવા આપ્યા હતા, પરંતુ કોર્ટે તેનો વિચાર કર્યો હોય તેવું લાગતું નથી.
ન્યાયિક પ્રક્રિયામાં ભાજપના લોકોનો હસ્તક્ષેપ વધ્યો છે. સુનીલ મોદીએ ભાજપ પર એવો આરોપ લગાવ્યો હતો કે, તેમને શંકા છે કે ભાજપના કેટલાક લોકો પણ આ કેસમાં સામેલ છે. અમે હાઈકોર્ટના આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
હાઈ કોર્ટના આ આદેશથી મહાયુતિમાંથી સાત નવા સભ્યોની નિમણૂકનો માર્ગ ખોલી નાખ્યો છે.
આપણ વાંચો: મહા વિકાસ આઘાડીથી છેડો ફાડ્યો સપાએ!
મહાયુતિએ રાજ્યપાલને સાત લોકોના નામ મોકલી દીધા છે. હવે, એવી અપેક્ષા છે કે મહાયુતિ દ્વારા બીજા પાંચ નામોની જાહેરાત કરવામાં આવશે. આ અંગે બોલતા સુનિલ મોદીએ કહ્યું કે અમે નવી મહાયુતિની સરકાર દ્વારા ભલામણ કરવામાં આવેલા અને રાજ્યપાલ દ્વારા નિયુક્ત સભ્યોની નિમણૂક સામે વાંધો ઉઠાવીશું.
અહીં ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મહા વિકાસ આઘાડી સરકારની રચના થઈ ત્યારથી રાજ્યપાલ દ્વારા નિયુક્ત સભ્યોનો મુદ્દો પેન્ડિંગ છે. તે સમયે એમવીએ દ્વારા મોકલવામાં આવેલા નામને તત્કાલીન રાજ્યપાલે મંજૂરી આપી નહોતી.