શિવસેના સાંસદ હેમંત પાટીલ સામે તબીબોનો અનોખો દેખાવ: સફાઇ અભિયાન દ્વારા વિરોધ વ્યક્ત

મુંબઇ: મહારાષ્ટ્રમાં તબીબોએ સ્વચ્છતા અભિયાન ચલાવી શિવસેના (શિંદે જૂથ)ના સાંસદ હેમંત પાટીલ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. રાજ્યના ડોક્ટર્સ સાંસદ હેમંત પાટીલ સામે આક્રમક થયા છે. શનિવારે 7મી ઓક્ટોબરના રોજ રાજ્યની તમામ સરકારી મેડીકલ કોલેજો અને હોસ્પિટલ્સમાં તબીબોએ સફાઇ અભિયાન હાથ ધર્યુ હતું. આ તબીબોના આંદોલનને ખાનગી તબીબો, મેડિકલ શિક્ષકો અને ફેકલ્ટીનું પણ સમર્થન મળ્યું.
મુંબઇમાં બીએમસીની નાયર હોસ્પિટલ ખાતે તબીબોએ એક સાથે મળીને કોલેજમાં સફાઇ અભિયાન હાથ ધર્યુ હતું. નાયર હોસ્પિટલના ડિન ડો. સુધીર મેઢેકર પણ ડોક્ટર્સને સમર્થન આપી આ અભિયાનમાં જોડાયા હતાં.
બીએમસીના રેસિડેન્ટ ડોક્ટર્સના અધ્યક્ષ ડો. વર્ધમાને કહ્યું કે, સાંસદ હેમંત પાટીલે જે રીતે વિડીયો શૂટ કરીને ડિનનો અપમાન કર્યો છે એનો અમે નિષેધ કરીએ છીએ. સફાઇ કોઇ મોટું કામ નથી એ તો કોઇ પણ કરી શકે છે. અમે ડોક્ટર્સ પણ કરી શકીએ છીએ. પણ એની એક રીત હોય છે.
ડોક્ટર્સે કહ્યું કે નાંદેડની ઘટના કોઇ બેદરકારીને કારણે થઇ છે એમ ન કહી શકાય. હોસ્પિટલ્સમાં સ્ટાફ ઓછો છે. સાધનો ઓછા છે. સરકારે આ સુવિધાઓ વધારવાનો નિર્ણય લેવો જોઇએ. સાંસદ હેમંત પાટીલ માટે અમે રાજ્ય સરકારને પત્ર લખ્યો છે કે એમણે જાહેરમાં માફી માંગવી જોઇએ.
ડોક્ટર્સે વધુમાં કહ્યું કે, આ માત્ર ડિનનો અપમાન નથી પણ બધા જ ડોક્ટર્સનો અપમાન છે. અમે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શનની શરુઆત કરી છે. જ્યાં સુધી સાંસદ હેમંત પાટીલ માફી ના માંગે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. મહારાષ્ટ્ર એસોસિએશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સના 10 હજારથી વધુ ડોક્ટર્સ આ ઘટનાનો વિરોધ કરી રહ્યાં છે.