પૂજા ખેડકરના માતા-પિતા સામે લુકઆઉટ નોટિસ જારી, અપહરણના કેસમાં પોલીસની કાર્યવાહી | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

પૂજા ખેડકરના માતા-પિતા સામે લુકઆઉટ નોટિસ જારી, અપહરણના કેસમાં પોલીસની કાર્યવાહી

મુંબઈઃ બરતરફ કરાયેલા પ્રોબેશનરી IAS અધિકારી પૂજા ખેડકરના પરિવાર અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નવી મુંબઈ પોલીસે નવી મુંબઈના રબાલેમાં ટ્રક હેલ્પરના અપહરણના મામલે પૂજા ખેડકરના પિતા દિલીપ ખેડકર અને તેની માતા મનોરમા ખેડકર વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જારી કર્યો છે. નવી મુંબઈ પોલીસ નવ દિવસથી ફરાર આ બંનેને શોધી રહી છે. પોલીસ આ કેસમાં એક અજ્ઞાત વ્યક્તિને પણ શોધી રહી છે. દરમિયાન, ખેડકર પરિવારના ડ્રાઇવર-કમ-બોડીગાર્ડ, પ્રફુલ્લ સાલુંખે, પોલીસ કસ્ટડીમાં છે.

નવી મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર રબાલે પોલીસ અને પુણે પોલીસ મનોરમાના પુણે સ્થિત ઘરે તપાસ માટે ગઈ હતી ત્યારથી દિલીપ ખેડકર, મનોરમા ખેડકર અને તેમનો બોડીગાર્ડ ગાયબ છે. કહેવાય છે કે દિલીપ અને તેનો બોડીગાર્ડ પહેલા તેમની લેન્ડ ક્રુઝર કારમાં ભાગી ગયા હતા, ત્યાર બાદ લગભગ 30 મિનિટ પછી મનોરમા ખેડકર ભાગી ગયા હતા. ત્રણેય આરોપીઓ બપોરે 12થી 3 વાગ્યાની વચ્ચે ભાગી ગયા હતા.

કાર પણ ગાયબ છે

સૂત્રોના જણાવ્યા અનુસાર દિલીપ ખેડકર અને તેમનો બોડીગાર્ડ પુણેથી સીધા અહમદનગર ગયા હતા. ત્યાં, દિલીપ ખેડકરે બોડીગાર્ડને કારમાંથી ઉતારી અને પોતે લેન્ડ ક્રુઝર ગાડી લઈને ભાગી ગયા. ત્યારબાદ બોડીગાર્ડ સીધો ધુળે સ્થિત પોતાના ગામ ગયો. પોલીસને શંકા છે કે દિલીપ ખેડકરે જ કારને ક્યાંક છુપાવી દીધી અને ભાગી ગયા. નવી મુંબઈ પોલીસે હજુ સુધી કાર કબજે કરી નથી.

શું છે આખો મામલો

પોલીસે પૂજાના પિતા દિલીપ ખેડકર વિરુદ્ધ ટ્રક ક્લીનરના અપહરણ મામલે કેસ દાખલ કર્યો હતો. જયારે, તેની માતા મનોરમા ખેડકર વિરુદ્ધ સરકારી કામમાં અવરોધ ઉભો કરવા અને પુરાવાનો નાશ કરવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યો છે. જ્યારે પોલીસ કેસની તપાસ માટે પુણેમાં ખેડકર પરિવારના ઘરે પહોંચી, ત્યારે તેમને ત્યાં અપહરણમાં વપરાયેલી કાર મળી આવી હતી. આ દરમિયાન, પૂજાની માતા મનોરમા ખેડકરે પોલીસ સાથે અભદ્ર વર્તન કર્યું અને પૂછપરછ માટે ગેટ ખોલવાનો ઇનકાર કર્યો. એવો પણ આરોપ છે કે તેણે પોલીસ પર કૂતરાઓને છોડવાનો પ્રયાસ પણ કર્યો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button