લોનાવલાથી પાછા ફરતી વખતે કાર ટ્રક સાથે ટકરાતાં બે કૉલેજ સ્ટુડન્ટનાં મોત | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

લોનાવલાથી પાછા ફરતી વખતે કાર ટ્રક સાથે ટકરાતાં બે કૉલેજ સ્ટુડન્ટનાં મોત

પુણે: લોનાવલાથી પાછા ફરતી વખતે મુંબઈ-બેંગલુરુ હાઈવે પર પુણે નજીક કાર આગળ જઈ રહેલી કન્ટેનર ટ્રક સાથે ટકરાતાં કૉલેજના બે વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે બે જણને ઇજા થઈ હતી.

દેહુરોડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત ગુરુવારની વહેલી સવારે 5.45 વાગ્યે થયો હતો. ચારેય વિદ્યાર્થી લોનાવલા હિલ સ્ટેશનેથી પાછા ફરી રહ્યા હતા ત્યારે દેહુ રોડ નજીક ઈદગાહ મેદાન પાસે તેમને અકસ્માત નડ્યો હતો.

સિમ્બાઈસિસ કૉલેજના બીબીએના ચારેય વિદ્યાર્થી ફરવા માટે લોનાવલા ગયા હતા. લોનાવલાથી પુણે પાછા ફરતી વખતે તેમની કાર ટ્રક સાથે ભટકાઈ હતી. અકસ્માતને પગલે બે વિદ્યાર્થી દિવ્યા રાજ સિંહ રાઠોડ (20) અને સિદ્ધાંત આનંદ શેખર (20)નાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં.

આ પણ વાંચો: વિલેપાર્લેમાં રસ્તાને કિનારે પાર્ક ટેમ્પો સાથે બાઈક ટકરાતાં બે યુવકનાં મોત

કારમાં હાજર અન્ય બે વિદ્યાર્થી હર્ષ મિશ્રા (21) અને નિહાર તંબોલી (20)ને નજીવી ઇજા થઈ હતી. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

બનાવની જાણ થતાં દેહુ રોડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રક ડ્રાઈવર મનીષ કુમાર સૂરજ મનીપાલ (39)ને તાબામાં લીધો હતો. મનીપાલ મુંબઈના વડાલાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અકસ્માતની ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.

(પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button