નાગપુરના ભાંડેવાડી વિસ્તારમાં એક ઘરના બીજા માળે દીપડો પહોંચ્યો, જુઓ વાયરલ વીડિયો…

નાગપુરઃ ઘરમાં મહેમાન આવે તો આપણે તેની આગતાસ્વાગતા કરીએ પણ નાગપુરના એક ઘરમાં એવા મહેમાન પધાર્યા જેને જોતા યજમાન ભયભીત થઈને ઘરની બહાર દોડી ગયા હતા. નાગપુર શહેરમાં માનવ-વન્યજીવ સંઘર્ષના બનાવો વધી રહ્યા છે. આજે સવારે પૂર્વ નાગપુરના ભાંડેવાડી વિસ્તારમાં એક દીપડો અચાનક એક ઘરમાં ઘૂસી ગયો અને સીધો બીજા માળે પહોંચી ગયો. આ ઘટનાથી આ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
ભાંડેવાડી વિસ્તાર જંગલને અડીને આવેલો વિસ્તાર છે, અને છેલ્લા કેટલાક દિવસોથી ત્યાં દીપડો હોવાની ચર્ચા થઈ રહી હતી. આજે તે સીધો એક ઘરમાં ઘૂસી ગયો. તે સમયે પરિવારના સભ્યો પોતાના કામમાં વ્યસ્ત હતા. અચાનક, તેમને ઉપરના માળે મોટા અવાજો સંભળાયા.
શરૂઆતમાં, તેમને લાગ્યું કે કોઈ પાલતુ પ્રાણી હશે, પરંતુ જ્યારે અવાજ વધ્યો, ત્યારે તેઓ ઉપરના માળે ગયા અને સામે એક દીપડાના દર્શન થતા ચોંકી ગયા. અને તરત જ ઘરની બહાર દોડી ગયા. થોડી જ વારમાં, આ સમાચાર વાયુવેગે આખા વિસ્તારમાં ફેલાઈ ગયા અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા, જેમાંથી ઘણા લોકોએ પોતાના મોબાઈલ ફોનથી વીડિયો બનાવ્યા હતા.
માહિતી મળતાં ટીટીસી સેન્ટરના વાઇલ્ડલાઇફ વોર્ડન અજિંક્ય ભાટકર અને સ્વપ્નિલ બોધાને ઘટનાસ્થળે પહોંચ્યા અને પુષ્ટિ કરી કે ઘરમાં ઘૂસેલું પ્રાણી દીપડો છે ત્યાર બાદ વન વિભાગ, પોલીસ, આપત્તિ વ્યવસ્થાપન ટીમો અને પ્રાણી બચાવ ટીમોએ સંયુક્ત બચાવ કામગીરી શરૂ કરી. ઘરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી, અને લોકોને ભીડ ન કરવા અને સલામત અંતર જાળવવા વિનંતી કરવામાં આવી.
વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર દીપડો ખોરાક કે પાણીની શોધમાં ભાંડેવાડીના જંગલ વિસ્તારમાંથી વસાહત તરફ આવ્યો હશે. નાગપુરમાં, ડમ્પિંગ યાર્ડ, નાળા અને જંગલોની નજીકના વિસ્તારોમાં વન્યજીવોની અવરજવર સામાન્ય બનતી જાય છે. શહેરનો વિસ્તાર તેમના કુદરતી નિવાસસ્થાન પર દબાણ વધારી રહ્યો છે.
દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું છે. હાલમાં કોઈને ઈજા થઈ હોવાના કોઈ અહેવાલ નથી, પરંતુ જંગલી પ્રાણી ઘરના બીજા માળે પહોંચી જવાથી રહેવાસીઓમાં ભય ફેલાયો છે. ભીડ સતત વીડિયો બનાવી રહી હોવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થવાની આશંકાથી પોલીસે લોકોને દૂર કરવા પડ્યા.
વન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે જો તેઓ દીપડો જુએ તો તેની નજીક ન જાય, તેને ઉશ્કેરે નહીં અને બચાવ ટીમોને સહકાર આપે. દીપડો હજુ સુધી પકડાયો ન હોવાથી, વિસ્તારમાં તકેદારી વધારી દેવામાં આવી છે.
આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે નાગપુરમાં વન્યજીવોની પ્રવૃત્તિ વધી રહી છે. શહેરમાં દીપડા, સાપ, વાંદરા અને અન્ય પ્રાણીઓ વધુને વધુ જોવા મળી રહ્યા છે. જેના કારણે મજબૂત નિવારક પગલાં લેવાની માંગણીઓ થઈ રહી છે.



