વિધાન પરિષદની ચૂંટણીના પરિણામ જાહેર: મુંબઈ અને કોંકણમાં કોણ જીત્યું?
મુંબઈઃ લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ તરત જ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી યોજાવાની હોઇ બધાનું ધ્યાન આ ચૂંટણીના પરિણામ પર હતું, જે સોમવારે જાહેર કરવામાં આવ્યા હતા. મુંબઈ ગ્રેજ્યુએટ્સ, મુંબઈ ટીચર્સ, નાસિક ટીચર્સ અને કોંકણ ગ્રેજ્યુએટ્સ આ ચાર બેઠકની ચૂંટણી 26 જૂનના રોજ યોજવામાં આવી હતી અને તેના પરિણામ સોમવારે મોડી સાંજે જાહેર કરવામાં આવ્યા હતા.
મુંબઈ ટીચર્સ અને મુંબઈ ગ્રેજ્યુએટ્સ આ બંને બેઠક પર મહાવિકાસ આઘાડી (MVA)ના ઉમેદવારોએ બાજી મારી હતી. મુંબઈ ગ્રેજ્યુએટ્સ બેઠક પર ઉદ્ધવ ઠાકરે જૂથના અનિલ પરબ 44,784 મત મેળવીને વિજયી થયા હતા. આ બેઠક પર ભાજપ તરફથી ચૂંટણી લડી રહેલા કિરણ શેલારને 18,772 મત મળ્યા હતા. જ્યારે મુંબઈ ટીચર્સની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે જૂથના જ. મો. અભ્યંકરને જીત મળી હતી.
જોકે, કોંકણ ગ્રેજ્યુએટ્સ બેઠક પર ભાજપે વિજય નોંધાવ્યો હતો. કોંકણ ગ્રેજ્યુએટ્સની બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના નિરંજન ડાવખરેએ 58,000 મત મેળવીને જીત હાંસલ કરી હતી. આ બેઠક પર ડાવખરેની સામે કોંગ્રેસના રમેશ કીર ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા. જોકે તેમને ફક્ત 19,000 મત મળ્યા હતા.
મોડી સાંજ સુધી નાસિક ટીચર્સ બેઠકના પરિણામ જાહેર કરવામાં આવ્યા નહોતા. જેને પગલે આ બેઠક પર કોણ જીત મેળવે છે, તેના પર બધાની નજર છે. જોકે, મુંબઈમાં લોકસભાની ચૂંટણી બાદ વિધાન પરિષદની ચૂંટણીમાં પણ મહાયુતિને ફટકો પડ્યો હોઇ મહાયુતિ માટે ચિંતાની બાબત હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.