પોલીસ દ્વારા ત્રાસ ગુજારાયાનો આરોપ કરતો વીડિયો પોસ્ટ કર્યા બાદ યુવકે જીવન ટૂંકાવ્યું…

લાતુર: લાતુર જિલ્લામાં પોલીસ કર્મચારીઓ દ્વારા ત્રાસ ગુજારાયાનો આરોપ કરતો વીડિયો પોસ્ટ કર્યા બાદ 22 વર્ષના યુવકે કથિત આત્મહત્યા કરી હતી. જિલ્લામાં તેરણા નદી નજીક જંગલમાં ગુરુવારે સાંજે ઇમરાન ખલીલમિયા બેલુરે નામના યુવક વૃક્ષ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
અંતિમ પગલું ભરતા પહેલા ઇમરાને સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં પોલીસ ડ્રાઇવર તેમ જ આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વારંવાર ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ તેણે કર્યો હતો.2022માં ઇમરાન બેલુરે એક દુકાનમાં કામ કરતો હતો ત્યારે ત્યાં ચોરી કરવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીની મતા જપ્ત કરવામાં આવી હોવા છતાં તેને ત્રાસ આપવાનું ચાલુ રહ્યું હતું.
ઇમરાને આત્મહત્યા પૂર્વે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોમાં ઇમરાને દાવો કર્યો હતો કે પોલીસ કર્મચારીઓ મોડી રાતે વારંવાર તેના ઘરે આવતા હતા. તેના પરિવારને ધમકાવતા હતા અને તેને માનસિક ત્રાસ આપતા હતા.
ઇમરાને જે સ્થળે આત્મહત્યા કરી હતી ત્યાં સગાંવહાલાં તથા રહેવાસીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને જ્યાં સુધી સંબંધિત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કેસ ન નોંધાય ત્યાં સુધી મૃતદેહને નીચે ઉતારવાની કે પંચનામું કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે મૃતદેહ મોડી રાત સુધી વૃક્ષ પર લટકતો રહ્યો હતો.
મૃતદેહને બાદમાં પોસ્ટમોર્ટમ માટે નિલંગા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો અને આ પ્રકરણે સંબંધિત પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, એમ ઇન્સ્પેક્ટર સુધીર સૂર્યવંશીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)



