કારે બાઈકને ટક્કર મારતાં ત્રણનાં મોત

લાતુર: પુરપાટ દોડતી કારે બાઈકને ટક્કર મારતાં બાઈકસવાર ત્રણ જણે જીવ ગુમાવ્યા હોવાની ઘટના લાતુર જિલ્લામાં બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત ગુરુવારની રાતે 11.30 વાગ્યાની આસપાસ કિનગાંવ-અંબાજોગાઈ રોડ પર આનંદવાડી પાટી નજીક બની હતી.
ઘટનામાં મૃત્યુ પામેલાઓની ઓળખ સંદીપ ચાટે (32), ખુશાલ ઉર્ફે વિઠ્ઠલ ચાટે (40) અને અજય દરાડે તરીકે થઈ હતી. ત્રણેય પરભણી જિલ્લાના વતની હતા. અહમદપુર તહેસીલના કિનગાંવ ખાતેના મેળામાંથી ત્રણેય જણ બાઈક પર ઘરે પાછા ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી.
કારે એટલી જોરથી ટક્કર મારી હતી કે બન્ને પિતરાઈ સંદીપ અને ખુશાલનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અજયને સારવાર માટે અંબાજોગાઈની હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. જોકે શુક્રવારે સવારે તેનું પણ મૃત્યુ થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ ઘટનામાં કારના ડ્રાઈવરને પણ નજીવી ઇજા થઈ હતી. પોલીસે કાર ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
(પીટીઆઈ)
આ પણ વાંચો…થાણેમાં ગાયમુખ ઘાટ પાસે મોટો અકસ્માત, ઘોડબંદર રોડ ભારે ટ્રાફિક જામ; મુસાફરી ટાળવા સલાહ…



