મારપીટ બદલ કૉંગ્રેસ અને મતદારને લાંચ આપવા મામલે ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ગુના

લાતુર: લાતુરમાં મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના પદાધિકારીઓ સાથે કથિત મારપીટ કરી ધમકી આપવા બદલ પોલીસે કૉંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સામે ભગવા પક્ષને મત આપવા માટે એક ખેડૂતને રૂપિયા આપવાનો કથિત પ્રયાસ કરવા પ્રકરણે ભાજપના ઉમેદવાર વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.
લાતુર સહિત રાજ્યની 29 મહાપાલિકાની ચૂંટણી જાહેર થયા પછી ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પાલિકાની ચૂંટણી 15 જાન્યુઆરીએ છે અને બીજે દિવસે મતગણતરી થશે.
આ પણ વાંચો: થાણેમાંં ૩૨ વોર્ડમાં ચાર તો એક વોર્ડમાં ત્રણ ઉમેદવારને વોટ આપવો પડશે…
ભાજપના શહેર એકમના ડિસ્ટ્રિક્ટ જનરલ સેક્રેટરી સંજય વસંત ગીરે આક્ષેપ કર્યો હતો કે રવિવારે તે પક્ષની રૅલીમાં જોડાવા માટે જઈ રહ્યો હતો ત્યારે વૉર્ડ-18ના કૉંગ્રેસના ઉમેદવાર સુંદર પાટીલ કવ્હેકર અને તેના સમર્થકોએ તેને રોક્યો હતો. મતદારોને નાણાં વહેંચવાનો આરોપ કરી પાટીલ અને તેના સમર્થકોએ ગીરની મારપીટ કરી હતી.
આ ધમાચકડીમાં પોતાનો શર્ટ પણ ફાટી ગયો હતો અને તેને જાનથી મારવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ ગીરે કર્યો હતો, એવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મુંબઈ નગરપાલિકા ચૂંટણી: પ્રચારના પડઘમ શાંત, પણ ઉમેદવારો કરી શકશે ડોર-ટુ-ડોર પ્રચાર
ભાજપના અન્ય એક કાર્યકરે પણ આક્ષેપ કર્યો હતો કે પાટીલ અને તેના સમર્થકોએ ધક્કે ચડાવીને કૉંગ્રેસ માટે પ્રચાર કરવા પચીસ હજાર રૂપિયા આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમની ફરિયાદને આધારે ગાંધી ચોક પોલીસે રવિવારે પાટીલ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
સામે પક્ષે એક ખેડૂતે આક્ષેપ કર્યો હતો કે વૉર્ડ-18ની ભાજપની ઉમેદવાર અદિતી પાટીલને મત આપવા માટે તેને પાંચ હજાર રૂપિયાની લાલચ અપાઈ હતી. ખેડૂતની ફરિયાદને આધારે પોલીસે ભાજપના પદાધિકારી વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો હતો.
(પીટીઆઈ)



