લાતુરમાં સગીરા પર બળાત્કાર: કૅફેના જમીનમાલિક સામે ગુનો દાખલ…

લાતુર: રાજ્યના લાતુર જિલ્લામાં સગીરા પર આ મહિનાની શરૂઆતમાં બળાત્કાર ગુજારવા બદલ કૅફેના જમીનમાલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કૅફેમાં 4 ડિસેમ્બરે આ ઘટના બની હતી. આદિવાસી સગીરાનું અપહરણ કર્યા બાદ 18 વર્ષના યુવક દ્વારા તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
ફરિયાદ નોંધાયાના થોડા કલાકોમાં પોલીસે સગીરાને શોધી કાઢી હતી. મુખ્ય આરોપી અને કૅફે ચલાવતા બે શખસની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ અને એસસી/એસટી (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીસ એક્ટ)ની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
કૅફે જ્યાં ચલાવવામાં આવી રહી હતી તેના જગ્યાના માલિક વિરુદ્ધ પોલીસે મંગળવારે પોક્સો એક્ટની કલમ 21 હેઠળ ગુનો દાખલ કર્યો હતો.કૅફેના માલિકે વધારાના રૂપિયા લઇને રસોડાની નજીક વધારાનું અલાયદું કમ્પાર્ટમેન્ટ બનાવ્યું હતું, જેમાં પ્રાઇવેટ સીટિંગની વ્યવસ્થા કરાઇ.
અનધિકૃત બાંધકામ અને તેના દુરુપયોગની જાણ હોવા છતાં પરિસરના માલિકે તેની ઉપેક્ષા કરી તથા કૅફે ચલાવનારને આ વ્યવસ્થા અકબંધ રાખવા દીધી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ઉપરાંત તે પોલીસ અથવા અન્ય સંબંધિત સત્તાવાળાઓને આ બાબતની જાણ કરવામાં નિષ્ફળ ગયો હતો. તેના પર ઇરાદાપૂર્વક માહિતી છુપાવવાનો આરોપ છે. (પીટીઆઇ)



