
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાયુતિ સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’માં છેલ્લા કેટલાક દિવસમાં અનેક વિસંગતીઓ અને ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યા બાદ વહીવટીતંત્રે આકરો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ નાણાંનું વિતરણ કરનારા મહિલા અને બાળકલ્યાણ ખાતાના પ્રધાન અદિતી તટકરેએ રવિવારે એવી માહિતી આપી હતી કે રાજ્યમાં લાડકી બહેનોને જૂન મહિનામાં જે હપ્તો આપવામાં આવ્યો હતો, તેમાં 26.34 લાખ લાડકી બહેનોના હપ્તા જમા કરવામાં આવ્યા નથી. હપ્તો ફક્ત 2.25 કરોડ મહિલાના ખાતામાં જ જમા કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારની આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા મળે છે, પરંતુ તાજેતરમાં હાથ ધરવામાં આવેલા ઓડિટમાં 14,298 પુરુષોએ પણ લાડકી બહેન યોજનાનો લાભ લીધો હોવાનું સામે આવ્યું હતું અને પછી, વિપક્ષે પણ આની જોરદાર ટીકા કરી હતી અને યોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. આ પુરુષોને તો હવે યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યા છે, પરંતુ તે ઉપરાંત 26.34 લાખ મહિલાઓ પણ આ યોજના માટે અપાત્ર રહેશે. મહિલા અને બાળ વિકાસ ખાતાના પ્રધાન અદિતિ તટકરેએ પોતે આ માહિતી આપી હતી.
આ પણ વાંચો: લાડકી બહેનોને ઠેંગો: 2,100 રૂપિયા આપવાની કોઈ વાત જ નથી: સરકાર
અદિતિ તટકરેએ કહ્યું હતું કે, મહિલા અને બાળકલ્યાણ વિભાગે લાડકી બહેન યોજના હેઠળ તમામ પાત્ર અરજીઓ ઓળખવા માટે સરકારના તમામ વિભાગો પાસેથી માહિતી માગી હતી. તે મુજબ, માહિતી અને ટેકનોલોજી વિભાગે માહિતી રજૂ કરી છે કે લગભગ 26.34 લાખ લાભાર્થીઓ અપાત્ર હોવા છતાં લાડકી બહેન યોજનાનો લાભ મેળવી રહ્યા છે.
એવું નોંધાયું છે કે કેટલાક લાભાર્થીઓ એક કરતાં વધુ યોજનાનો લાભ લઈ રહ્યા છે, કેટલાક પરિવારોમાં બેથી વધુ લાભાર્થીઓ છે, અને કેટલીક જગ્યાએ પુરુષોએ અરજી કરી છે. આ બધી માહિતીના આધારે બધું મળીને 26.34 લાખ અરજદારોના લાભો જૂન 2025થી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યા છે, એમ અદિતિ તટકરેએ જણાવ્યું હતું.
આ બહેનોને ફરીથી પૈસા મળી શકશે?
અદિતિ તટકરેએ એવી પણ માહિતી આપી છે કે જે 26.34 લાખ લાભાર્થીઓના લાભો અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવ્યા છે તેમની વિગતો સંબંધિત જિલ્લા કલેક્ટરોને ચકાસણી માટે મોકલી આપવામાં આવશે અને જે લાભાર્થીઓ પાત્ર સિદ્ધ થશે તેમને સરકાર દ્વારા ફરી યોજનાનો લાભ આપવાનું ચાલુ કરવામાં આવશે.
આ પણ વાંચો: એ લાડકી બહેનોની રકમ ફરીથી સરકારી તિજોરીમાં જમા…..
તેમણે એમ પણ કહ્યું હતું કે, મહિલા અને બાળકલ્યાણ ખાતું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે ચર્ચા કરશે કે સરકારને ગેરમાર્ગે દોરીને ખોટી રીતે આ યોજનાનો લાભ લેનારા બોગસ લાભાર્થીઓ સામે શું કાર્યવાહી કરવી જોઈએ અને સરકારી સ્તરે લાભાર્થીઓને પસંદ કરતી વખતે રહી ગયેલી ક્ષતિ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેની પણ ચર્ચા કરવામાં આવશે.