‘લાડકી બહેન’ યોજનાના લાભાર્થીઓનો કેન્દ્રો પર ધસારો, દલાલો દ્વારા ખુલ્લી લૂંટ
મહારાષ્ટ્ર નું બજેટ રજૂ કરતી વખતે, નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન અજિત પવારે ‘મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન’ યોજના વિશે મોટી જાહેરાત કરી. આ યોજનાનો લાભ લેવા માટે આજથી ઓફલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ યોજનામાં લાભાર્થી મહિલાઓને દર મહિને 1500 રૂપિયા મળશે. આ યોજનાનો લાભ લેવા માટે મહિલાઓએ ઓનલાઇન/ઑફલાઇન મોડમાં નોંધણી કરાવવી પડશે. રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 15 જુલાઈ છે.
અજિત પવારની આ જાહેરાત બાદ દરેક જગ્યાએ નોંધણી કેન્દ્રોની બહાર મહિલાઓ મોટી ભીડમાં એકઠી થઈ છે. એવામાં અમરાવતીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમરાવતીમાં ‘લાડકી બહેન યોજના’ માટે લાભાર્થીઓને લુંટવામાં આવતા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. તેમજ સોલાપુર ખાતેના કેન્દ્રોમાં લાભાર્થી મહિલાઓ પાસેથી એજન્ટો દ્વારા 700 થી 1000 રૂપિયા લેવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અમરાવતીથી એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એ વાત સામે આવી છે કે લાડકી બહેન યોજનાના લાભાર્થીઓને આર્થિક રીતે લૂંટવામાં આવી રહ્યા છે. અહીંની તલાટી કચેરીમાં મહિલાઓ પાસેથી મોટી રકમ પડાવવાામાં આવી રહી છે.
બધી જ મહિલાઓ કંઇ ટેકસેવી નથી હોતી કે આંગળીના ટેરવે ઓનલાઇન અરજી કરી નાખે. લાડકી બહેન યોજના માટે ઑફ લાઇન અરજી કરવા માટે, મહિલાઓ સોલાપુરના કેન્દ્રમાં ઉમટતી જોવા મળે છે. આવકનું પ્રમાણપત્ર અને રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે કેન્દ્રો પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મહિલાઓએ ફરિયાદ કરી છે કે સર્ટિફિકેટ મેળવવા માટે એજન્ટો મહા-ઈ સેવા કેન્દ્ર પર 700 થી 1000 રૂપિયા વસૂલે છે. જેના કારણે કેન્દ્ર પર વધુ ભીડ રહેતો હોવાનો મત નાગરિકોએ વ્યક્ત કર્યો છે. જન્મ પ્રમાણપત્ર અને શાળા છોડવાના પ્રમાણપત્રના અભાવે અનેક વૃદ્ધ અને અશિક્ષિત મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પન વાચો : મહારાષ્ટ્રમાં ‘મુખ્ય પ્રધાનની મારી લાડકી બહેન’ યોજના માટે આદેશ જારી
આ યોજના અંગે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે, મહિલાઓને મદદ મળે એ સારી વાત છે, પણ આ યોજનામાં 21 વર્ષથી વધુ ઉંમરની અપરિણીત મહિલાઓને બાકાત રાખવામાં આવી છે. તેમનો શું વાંક છે? જો કોઈ મહિલા લગ્ન ન કરવાનો નિર્ણય લે છે, તો પછી તેને આ મદદ શા માટે ન મળવી જોઈએ? આ ઉપરાંત આ યોજના માટે નોંધણીની છેલ્લી તારીખ દૂર કરવી જોઈએ. આ ઉપરાંત 700-800 રૂપિયાના સ્ટેમ્પ પેપરની અછત પણ દૂર કરવી જોઇએ.