લાડકી બહેન યોજના માટે વિવિધ વિભાગોના ભંડોળમાં કાપ
સરકારે સામાજિક ન્યાય વિભાગમાંથી 410.30 કરોડ અને આદિજાતિ વિકાસ વિભાગમાંથી 335.70 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નાણાકીય કટોકટી વચ્ચે મહારાષ્ટ્ર સરકાર લાડકી બહેન યોજનાની પાત્ર મહિલા લાભાર્થીઓને માસિક 1,500 રૂપિયાની સહાય પૂરી પાડવા માટે જરૂરી ભંડોળની ફાળવણી કરવામાં સંઘર્ષ કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.
સરકારે મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાની પાત્ર મહિલા લાભાર્થીઓને માસિક હપ્તો ચૂકવવા માટે સામાજિક ન્યાય વિભાગમાંથી 410.30 કરોડ રૂપિયા અને આદિજાતિ વિકાસ વિભાગમાંથી 335.70 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
શુક્રવારે મહિલા અને બાળ કલ્યાણ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં આ નાણાં ડાઈવર્ટ કરવાની સૂચના હતી. 2025-26ના બજેટમાં રાજ્ય સરકારે અનુસૂચિત જાતી માટે 22,658 કરોડ રૂપિયા અને અનુસૂચિત જનજાતીઓ માટે 21,495 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આમાાંથી સામાજિક ન્યાય ખાતાને 3,960 રૂપિયા સ્પેશ્યલ ગ્રાન્ટ તરીકે મળ્યા હતા.
આપણ વાંચો: લાડકી બહેન યોજના ચાલુ રહેશે, રદ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી: અજિત પવાર…
જેમાંથી 410.30 કરોડ અને આદિ જાતિ વિકાસ ખાતાને ફાળવાયેલા 3,420 કરોડ રૂપિયામાંથી 335.70 કરોડ રૂપિયા લાડકી બહેન યોજના માટે વાળવામાં આવ્યા હતા. આવી રીતે દર મહિને ભંડોળ ફાળવવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન, સરકારે એપ્રિલ મહિના માટે 1,500 રૂપિયાની નાણાકીય સહાય લાડકી વાહિની યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવાનું શરૂ કરી દીધું છે. જો કે, મે મહિનાની માસિક સહાય ક્યારે પૂરી પાડવામાં આવશે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.
આપણ વાંચો: આદિત્ય ઠાકરેનો દાવો, લાડકી બહેન યોજના ‘વત્તા ઓછા અંશે સમાપ્ત’
સરકારે શુક્રવારે આ અંગેની સૂચના જારી કરી હતી. સામાજિક ન્યાય ખાતાના પ્રધાન અને શિવસેનાના નેતા સંજય શિરસાટે આ પગલાની આકરી ટીકા કરતા કહ્યું કે જો સામાજિક ન્યાય વિભાગની જરૂર ન હોય, તો તેને બંધ કરી દેવો વધુ સારું છે.
‘મને લાડકી બહેન યોજના માટે સામાજિક ન્યાય વિભાગ તરફથી 410.30 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવા અંગે કોઈ ખ્યાલ કે જાણકારી નથી. મને મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. જો સામાજિક ન્યાય વિભાગની કોઈ જરૂર ન હોય, તો તેને બંધ કરવું જ યોગ્ય રહેશે,’ એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: લાડકી બહેન યોજના: લાભાર્થીના પૈસા પતિએ દારૂમાં ઉડાવતા ગુનો નોંધાયો
સરકારે નિર્ધારિત ધોરણોનો ભંગ કર્યો: દાનવે
રાજ્ય વિધાનપરિષદમાં વિરોધ પક્ષના નેતા અને શિવસેના યુબીટીના નેતા અંબાદાસ દાનવેએ મહાયુતિ સરકાર પર લાડકી બહેન યોજના માટે ભંડોળને ‘ડાયવર્ઝન’ કરવા બદલ, નિર્ધારિત ધોરણોનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો.
‘સરકારી તિજોરી ખાલી થઈ રહી છે! સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગ માટે મંજૂર કરાયેલા 3,960 કરોડ રૂપિયામાંથી 410.30 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે.
જ્યારે આદિજાતિ વિકાસ વિભાગને આપવામાં આવેલી 3,420 કરોડ રૂપિયાની ગ્રાન્ટ-ઇન-એઇડમાંથી લાડકી બહેન યોજના માટે 335.70 કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા! આ રીતે, સરકારે સામાજિક ન્યાય અને આદિજાતિ વિકાસ વિભાગોના હિસ્સામાંથી કુલ 746 કરોડ રૂપિયા ઉપાડી લીધા,’ એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: લાડકી બહેન યોજના ચાલુ રહેશે: એકનાથ શિંદે
તેમણે ઉમેર્યું હતું કે, આયોજન પંચના નિયમો મુજબ બે વિભાગો, આદિજાતિ બાબતો અને સામાજિક ન્યાયને ફાળવવામાં આવેલા ભંડોળ તે સમુદાયની વસ્તીના પ્રમાણમાં નક્કી કરવામાં આવે છે.
‘આ ભંડોળ ફક્ત તે લોકો પર જ ખર્ચ કરવા બંધનકારક છે અને તેને અન્ય વિભાગોમાં વાળવામાં આવી શકતા નથી,’ એમ તેમણે કહ્યું હતું.
રાજ્ય જરૂરિયાતમંદોને લાભોથી વંચિત રાખે છે: વડેટ્ટીવાર
કોંગ્રેસના વિધાનસભા પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે પણ મહાયુતિ સરકાર પર અનુસૂચિત જાતિ અને નવ-બૌદ્ધ વર્ગોની મહિલાઓ માટે ફાળવવામાં આવેલા ભંડોળને ‘ડાયવર્ટ’ કરવાનો આરોપ લગાવ્યો હતો.
આનો અર્થ એ છે કે રાજ્યના અન્ય જરૂરિયાતમંદ લોકોને તેમના લાભોથી વંચિત રાખવામાં આવશે. ભંડોળ ડાયવર્ટ થયા પછી સામાજિક ન્યાય મંત્રી હવે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. પ્રધાન શિરસાટને ખબર પણ નથી કે તેમના વિભાગમાં શું ચાલી રહ્યું છે.
શું ભંડોળ વિભાગના સંબંધિત પ્રધાનની સંમતિ વિના ડાયવર્ટ કરવામાં આવ્યું હતું? શું ભંડોળ ડાયવર્ટ થયા પછી સામાજિક ન્યાય ખાતાના પ્રધાનના ગુસ્સાનો કોઈ અર્થ સરે છે? આ સરકારના શાસન પર શંકા છે. આ બધું એક બનાવટી છે, તેઓ નિર્ણય લેશે, અન્ય લોકો ટીકા કરશે અને જનતાને ગેરમાર્ગે દોરશે, એમ તેમણે કહ્યું હતું.