હૈદરાબાદ ગેઝેટ પર વધુ એક વિરોધ મરાઠા સમાજને અપાઈ રહેલા કુણબી પ્રમાણપત્ર સામે કુણબી સમાજ આઝાદ મેદાનમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં અનામતનું રાજકારણ હવે એક નવો વળાંક લેવા જઈ રહ્યું છે. કુણબી સમાજ પોતાના અધિકારોના રક્ષણ માટે આક્રમક બન્યો છે અને મુંબઈમાં સરકારને પોતાની તાકાત બતાવવાની તૈયારી કરી રહ્યો છે. મરાઠા સમુદાયને આપવામાં આવી રહેલા ‘કુણબી પ્રમાણપત્રો’થી નારાજ સમુદાયના સભ્યોએ આ વખતે આઝાદ મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે.
મનોજ જરાંગે-પાટીલના આંદોલન બાદ સરકારે મરાઠા સમુદાયને કુણબી પ્રમાણપત્રો આપવાનો નિર્ણય લીધો હતો. આ પ્રક્રિયાનો ભારે વિરોધ થઈ રહ્યો છે, અને એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે મૂળ કુણબી સમુદાય સાથે અન્યાય થઈ રહ્યો છે. કુણબી ભાઈઓ ગુસ્સે છે કે સરકારે ઓબીસી સહિત ઘણા સમુદાયો દ્વારા આંદોલનો દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાં હૈદરાબાદ ગેઝેટ લાગુ કરવાનું ચાલુ રાખ્યું છે.
આ પણ વાંચો : બકરું કાઢતાં ઊંટ પેઠું: મરાઠા સમાજને સંતુષ્ટ કરવા માટે હૈદરાબાદ ગેઝેટ લાગુ કરવાનો નિર્ણય રાજ્ય સરકારની સમસ્યાઓ વધારશે: હવે બંજારા સમાજ અનામત માટે લડશે
‘હવે અમારા અધિકારોને કચડી નાખવામાં આવશે નહીં, કુણબીઓનો અવાજ મુંબઈમાં જ સાંભળવા મળશે,’ એમ કુણબી સમાજોન્નતી સંઘના પ્રમુખ અનિલ નવઘણેએ જણાવ્યું હતું.
9 ઓક્ટોબરે મુંબઈના આઝાદ મેદાન ખાતે ‘એલ્ગાર મોરચો’ યોજાશે. કોંકણ સહિત રાજ્યભરના સંગઠનો તેમાં સ્વયંભૂ ભાગ લેશે અને સરકારને પોતાની તાકાત બતાવવા માટે અગ્રણી નેતાઓ હાજર રહેશે. આની પહેલાં 24મી સપ્ટેમ્બરે મુંબઈ મરાઠી પત્રકાર સંઘ ખાતે એક પત્રકાર પરિષદમાં આની જાહેરાત કરવામાં આવશે.
શું છે માગણીઓ?
હૈદરાબાદ ગેઝેટિયર તાત્કાલિક રદ કરવું
મરાઠા સમુદાયને આપવામાં આવતા કુણબી પ્રમાણપત્રો બંધ કરવા
ઓબીસી સહિત તમામ વર્ગોની જાતિવાર વસ્તી ગણતરી કરવી
કુણબી ખેડૂતોના પડતર પ્રશ્ર્નોનો ઉકેલ લાવવો