કોંકણ જવાનું હવે પહોંચની બહારઃ થાઇલેન્ડ-દુબઇ કરતા બસના ભાડાં વધારે

મુંબઈઃ ગણેશોત્સવ નજીક આવતાની સાથે જ ઘણા લોકો કોંકણ તરફ પ્રયાણ કરે છે. મુંબઈ-ગોવા હાઇવે પર ખાડા અને ટ્રાફિક જામના કારણે ઘણા મુસાફરો હવાઈ અને બસ મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. આ કારણે હવાઈ અને પ્રાઇવેટ બસ ટિકિટના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે, જ્યારે રેલવેમાં મેલ-એક્સપ્રેસની ટ્રેનમાં નો-રુમના પાટિયા લાગી જતા કોંકણમાં જવાનું પ્રવાસીઓ માટે મુશ્કેલીમય બની રહ્યું છે.
હાલમાં મુંબઈથી ગોવાની ફ્લાઇટનો ખર્ચ થાઇલેન્ડ કે દુબઈ કરતાં વધી ગયો છે. ગણેશોત્સવના આગલા દિવસે એટલે કે ૨૬ ઓગસ્ટે મુંબઈ-ગોવાની ફ્લાઇટ ટિકિટનો ભાવ ૨૧,૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે, જે સામાન્ય રીતે ૩,૦૦૦ રૂપિયામાં મળતી હતી તે હવે લગભગ સાત ગણી વધી ગઈ છે.
આપણ વાંચો: કોંકણમાં ગણેશોત્સવ માટે 16 સ્પેશિયલ ટ્રેન
ફ્લાઇટની જેમ, ખાનગી બસ ટિકિટના ભાવમાં પણ વધારો થયો છે. મુંબઈથી કોંકણ જતી ખાનગી બસ ટિકિટ સામાન્ય રીતે ૧,૫૦૦થી ૧,૬૦૦ રૂપિયા હોય છે. હવે આ જ ટિકિટનો ભાવ ૩,૦૦૦ રૂપિયા થઈ ગયો છે. તેથી, પરિવાર સાથે મુસાફરી કરનારાઓ માટે ફ્લાઇટ અને પ્રાઇવેટ બસમાં જવું અશક્ય લાગી રહ્યું છે. બીજી બાજુ રેલવેમાં ટ્રેનની ટિકિટ મળતી હોતી નથી, જ્યારે ચોમાસાને કારણે ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું પણ જોખમી બની જાય છે.