પુણે પોર્શે કાર કેસના આરોપી ડૉક્ટરની કિડની ટ્રાન્સપ્લાન્ટ રૅકેટમાં ધરપકડ

પુણે: પુણેની સસૂન જનરલ હોસ્પિટલના ભૂતપૂર્વ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. અજય તાવરેની એક અગ્રણી ખાનગી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ રૅકેટમાં પોલીસે ગુરુવારે ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં ગયા વર્ષે 17 વર્ષના સગીરે પોર્શે કાર હંકારી બાઇકને અડફેટમાં લેતાં બે આશાસ્પદ યુવાન-યુવતીનાં મોત થયાં હતાં. આ કેસમાં સગીરને બચાવવા માટે લોહીના નમૂના સાથે ચેડાં કરવા બદલ તાવરેની ધરપકડ કરવામાં આવી હતી. તાવરે હાલ યેરવડા સેન્ટ્રલ જેલમાં છે.
પુણે ક્રાઇમ બ્રાન્ચે હવે તાવરેને અગ્રણી હોસ્પિટલ રૂબી હોલ ક્લિનિક ખાતે વર્ષ 2022માં કિડની ટ્રાન્સપ્લાન્ટ રૅકેટ સંબંધે કસ્ટડીમાં લીધો છે. ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઇમ) નિખિલ પિંગળેએ જણાવ્યું હતું કે ડો. અજય તાવરેને કિડની રેકેટ કેસમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: પુણે પોર્શે કાર કેસ: સુપ્રીમ કોર્ટે આપ્યા સગીર આરોપીની માતાને વચગાળાના જામીન
2022માં તાવડે કિડની ટ્રાન્સપ્લાન્ટને મંજૂરી આપતી રિજનલ ઓથોરાઇઝેશન કમિટીના પ્રમુખ હતા. પુણે પોલીસે મે, 2022માં રૂબી ક્લિનિકના મેનેજિંગ ટ્રસ્ટી, તેના કર્મચારીઓ સહિત પંદર જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
કોલ્હાપુરની એક મહિલાને પાંચ લાખ રૂપિયાનું વચન આપીને તેને ટ્રાન્સપ્લાન્ટની જરૂર ધરાવતા શખસની પત્નીનો સ્વાંગ ધારણ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેની કિડની બાદમાં મહિલા દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાઇ હતી. આ સામે મહિલાની માતાએ પોતાની કિડની પુરુષને દાન કરી હતી.
29 માર્ચ, 2022ના રોજ રૂબી ક્લિનિકમાં ટ્રાન્સપ્લાન્ટ સર્જરી હેઠળ પસાર થયા બાદ ચાર દિવસ બાદ નાણાંને લઇ વિવાદ ઊભો થતાં મહિલાએ પોતાની અસલી ઓળખ જાહેર કરી હતી, જે પછી આ રૅકેટ પ્રકાશમાં આવ્યું હતું. (પીટીઆઇ)