ટ્રેનોમાં પ્રવાસીઓની ભારે ભીડઃ કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પડતા 2 પ્રવાસીનાં મોત

મુંબઈ/નાશિકઃ દિવાળીના તહેવારમાં વતન જવા માટે લાખો પ્રવાસીઓએ વતનની રાહ પકડી લીધી છે, પરંતુ ટ્રેનોમાં ભયંકર ભીડનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે મુંબઈથી લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી)થી બિહાર જઈ રહેલી કર્મભૂમિ એક્સપ્રેસમાંથી પ્રવાસીઓ પડતા જીવલેણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બે પ્રવાસીના ઘટનાસ્થળે મોત થયા છે, જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી છે. આ અકસ્માતનો કેસ નોંધીને રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતની જાણ પછી નાશિક રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યારે મૃતકોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આ અકસ્માત ભુસાવળના ટ્રેક કિલોમીટર 190/1 અને 190/3ની વચ્ચે થયો હતો. બંને યુવાનની ઉંમર 30થી 35 વર્ષ વચ્ચેની છે, જ્યારે ત્રીજા પ્રવાસીને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જિલ્લા સરકારી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ ત્રણેયની ઓળખ થઈ શકી નથી, એમ પોલીસે જણાવ્યું હતું.
અકસ્માતનો કેસ નોંધવામાં આવ્યો છે, જ્યારે તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત માટે કદાચ ટ્રેનમાં ભીડ હોવાને કારણે પ્રવાસીઓ ચાલતી ટ્રેનમાંથી પડ્યા હોઈ શકે છે, એવો સૂત્રોએ દાવો કર્યો હતો. રેલવે પોલીસે એક્સિડેન્ટલ કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. તપાસના નક્કર નિષ્કર્ષ પછી ચોક્કસ કારણ આપી શકાય, એમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું.
છઠ-દિવાળીને કારણે ટ્રેનોમાં અસામાન્ય ભીડ રહે છે. પ્રવાસીઓ તહેવાર યા ચૂંટણી નિમિત્તે ટ્રાવેલ કરી રહ્યા હતા તેની જાણ નથી. જનરલ કોચમાં ટ્રાવેલ કરી રહેલા પ્રવાસીઓ અકસ્માતનો શિકાર બન્યા હોવાનું કહેવાય છે. પ્રવાસીઓનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે તેમની ઓળખ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો…પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના એક કોચમાં આગ, કોઈ જાનહાનિ નહી