જોલી એલએલબી-3એ કરી કમાલ, બીજી ફિલ્મો બોક્સ ઓફિસ પર લથડી

ઘણા સમયથી એક હીટ ફિલ્મ માટે તરસતા અભિનેતા અક્ષય કુમાર અને તેના ફેન્સ માટે જૉલી એલએલબી-3 જૉય લઈને આવી છે. કોર્ટરૂમ ડ્રામાની આ ત્રીજી સિરિઝ લોકોને ખૂબ ગમી રહી છે અને બોક્સ ઓફિસ પર પણ સારું કલેક્શન કરી રહી છે. જોકે આ ફિલ્મ સાથે રિલિઝ થયેલી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની બાયોપિક અજેય-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી અને અનુરાગ કશ્યપની નિશાનચીને દર્શકોએ જાકારો આપ્યો છે.ત્રણેય ફિલ્મ શુક્રવારે રિલિઝ થઈ હતી અને તેના વિક એન્ડના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા આવી ગયા છે.
પહેલા વાત કરીએ અજેયની તો ફિલ્મ પહેલા વિક એન્ડમાં એક કરોડ પણ કલેક્ટ કરી શકી નથી. ફિલ્મે પહેલા દિવસે ₹25 લાખ, બીજા દિવસે ₹43 લાખ અને ત્રીજા દિવસે ₹50 લાખની કમાણી કરી છે. આ ફિલ્મનું કુલ ત્રણ દિવસનું કલેક્શન ₹1.18 કરોડ થયું છે. ફિલ્મનું બજેટ રૂ. 25 કરોડ હોવાનું માનવામાં આવે છે. આથી બજેટ પણ રિકવર કરી શકશે નહીં તેમ લાગે છે.
આવી જ હાલત અનુરાગ કશ્યપ અને ઐશ્વર્ય ઠાકરેની ફિલ્મ નિશાનચીની પણ થઈ છે. 33 કરોડની આ ફિલ્મ ત્રણ દિવસમાં એક કરોડ પણ કલેક્ટ કરી શકી નથી. રવિવારે ફિલ્મે માત્ર 21 લાખ કલેક્ટ કર્યા છે. અનુરાગના કહેવા અનુસાર આ સ્ક્રિપ્ટ માટે નવ વર્ષ તેણે રાહ જોઈ અને મહેનત કરી ત્યારે સવાલ એ છે કે નવ વર્ષ બાદ બનેલી ફિલ્મ નવ દિવસ થિયેટરમાં ચાલી શકશે કે નહીં.
હવે જૉલી એલએલબી-3ની વાત કરીએ તો ફિલ્મનું ત્રણ દિવસનું વર્લ્ડવાઈડ કલેક્શન રૂ. 80 કરોડ થઈ ગયું છે. જૉલી ફ્રેન્ચાઈઝી માટે આ મોટી સિદ્ધી છે. ખેડૂતોનો વિષય લઈ બનેલી લીગલ-ઈમોશનલ કોર્ટરૂમ ડ્રામા હજુ ઘણી કમાણી કરે તેવી શક્યતા છે. આજથી શરૂ થતી નવરાત્રી સિવાય આ ફિલ્મને બીજી કોઈ ફિલ્મ ટક્કર આપી રહી નથી.