મહારાષ્ટ્ર

એક્સપ્રેસ ટ્રેનમાંથી દાગીના ચોરનારો પકડાયો: ચોરીના દાગીના ખરીદવા બદલ ઝવેરી બજારના બે જ્વેલર્સની ધરપકડ

થાણે: થાણે જિલ્લામાં એક્સપ્રેસ ટ્રેનમાંથી પ્રવાસીના દાગીના ચોરનારા આરોપીને રેલવે પોલીસે પકડી પાડ્યો હતો, જ્યારે આરોપી પાસેથી ચોરીના દાગીના ખરીદવાના આરોપસર ઝવેરી બજારના બે જ્વેલર્સની પણ ધરપકડ કરવામાં આવી હતી.

સિનિયર ઇન્સ્પેક્ટર વિજય ખેડકરે જણાવ્યું હતું કે ઇન્દોર જતી એક્સપ્રેસમાં જાન્યુઆરીમાં મહિલા પ્રવાસીની દાગીના સાથેની બેગ ચોરાઇ હતી, જેની તપાસ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી) દ્વારા કરવામાં આવી રહી હતી.

આપણ વાંચો: થાણેમાં ઝવેરીની દુકાનમાંથી પાંચ કરોડ રૂપિયાના દાગીના ચોરાયા

પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને રાતે લાંબા અંતરની ટ્રેનો પર નજર રાખી હતી. 18 જાન્યુઆરીએ રેલવે પોલીસે મળેલી માહિતીને આધારે મહેશ અરુણ ઘાગ નામના શખસને ઝડપી પાડ્યો હતો, જેણે પૂછપરછમાં મહિલા પ્રવાસીના દાગીના ચોર્યાની કબૂલાત કરી હતી અને ચોરેલા દાગીના મુંબઈના ઝવેરી બજારમાં બે જ્વેલર્સને વેચ્યા હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન પોલીસે બંને જ્વેલર્સને શોધી કાઢ્યા હતા, જેમની ઓળખ તાનાજી માને (45) અને નીતિન યેલે (44) તરીકે થઇ હતી. બાદમાં તેમની ધરપકડ કરાઇ હતી.

બંને જ્વેલર્સે કબૂલ્યું હતું કે તેમણે ચોરીના દાગીના પીગાળીને તેની લગડી બનાવી હતી. પોલીસે બંને પાસેથી 8.64 લાખ રૂપિયાની સોનાની લગડી જપ્ત કરી હતી. આરોપી વિરુદ્ધ કલ્યાણ અને વસઇ રોડ જીઆરપી સ્ટેશનોમાં ચોરીના ત્રણ ગુના નોંધાયેલા છે. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button