મહારાષ્ટ્ર

જાલનામાં યુવાન સાથે બર્બરતા: બેરહેમીથી ફટકાર્યા પછી ગરમ સળિયાના ડામ દીધા

જાલના: જાલના જિલ્લામાં બનેલી કાળજું કંપાવનારી ઘટનામાં જૂની અદાવતનું વેર વાળવા ઓબીસી સમાજના યુવાન સાથે બર્બરતા આચરવામાં આવી હતી. નિર્વસ્ત્ર કરી બેરહેમીથી ફટકાર્યા પછી સળિયો ગરમ કરીને યુવાનના શરીર પર ડામ દેવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ યુવાનને બચાવવાને બદલે મોબાઈલથી વીડિયો શૂટ કર્યા હતા. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. જોકે આ ઘટનાને પગલે ભડકેલા ગામવાસીઓએ રસ્તા પર ઊતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પોલીસ ફરિયાદ અનુસાર ઘટના 26 ફેબ્રુઆરીએ બની હતી. યુવાન બોકરદાન તાલુકાના જાનેફળ ગામમાં મહાશિવરાત્રિ નિમિત્તે મંદિરમાં ભગવાનના દર્શને ગયો હતો, જ્યાં બે આરોપીએ તેને રોક્યો હતો. કહેવાય છે કે યુવાનનો મુખ્ય આરોપી સોનુ ઉર્ફે ભાગવત દૌડ અને તેના ભાઈ નવનાથ સાથે વિવાદ હતો.

આ પણ વાંચો: જાલનામાં ભીષણ અકસ્માત: કારે ઊભેલી ટ્રકને ટક્કર મારતા ચારનાં મોત

રાતના સમયે બન્ને ભાઈએ મંદિરના પાછળના ભાગમાં યુવાનને પકડી પાડ્યો હતો અને તેની મારપીટ કરી હતી. આરોપીઓના સાથીઓએ યુવાનને ઘેરી રાખ્યો હતો. બાદમાં યુવાનને નિર્વસ્ત્ર કરવામાં આવ્યો હતો અને સળિયાથી ફટકારવામાં આવ્યો હતો. પછી ચૂલા પર સળિયાને ગરમ કરી યુવાનની જાંઘ, પેટ અને ઘૂંટણ પર ડામ દેવામાં આવ્યા હતા. આ બર્બરતા વીડિયોમાં નજરે પડે છે.

નિર્દયતાથી કરાયેલી મારપીટને કારણે યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. સારવાર માટે તેને હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો. પારધ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સંતોષ માનેએ જણાવ્યું હતું કે આ કેસમાં સોમવારે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ફરાર તેના સાથીઓની શોધ હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: જાલનામાં ટ્રક ડ્રાઇવર પર ગોળીબાર: સંબંધીની સંડોવણીની શંકા

આ ઘટનાની અમુક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી) કાર્યકર લક્ષ્મણ હાકે અને દીપક બોરાડે, પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડીના સ્થાનિક પદાધિકારીઓએ ગામવાસીઓ સાથે મંગળવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આરોપીઓને તાત્કાલિક પકડી પાડવાની માગણી તેમણે કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button