જાલનામાં ઓબીસી કાર્યકર્તાની કારને આગ ચાંપી: યુવકની ધરપકડ

જાલના: જાલનામાં ઓબીસી કાર્યકર્તાની કારને આગ ચાંપવા બદલ પોલીસે 38 વર્ષના યુવકની મંગળવારે ધરપકડ કરી હતી.
નીલમ નગર વિસ્તારમાં રવિવારે રાતના બનેલી આ ઘટના સંદર્ભે કદીમ જાલના પોલીસે વિશંભર તિરુકે નામના આરોપીને તાબામાં લીધો હતો, જે દરેગાંવનો રહેવાસી છે.
આરોપીએ રાતે 10 વાગ્યાની આસપાસ ઓબીસી કાર્યકર્તા નવનાથ વાઘમારેની તેના ઘર નજીક પાર્ક કરાયેલી કાર પર બોટલમાંથી જ્વલનશીલ પ્રવાહી રેડ્યું હતું અને ત્યાર બાદ કારને આગ ચાંપી દીધી હતી. આગમાં કારના ઉપરના ભાગને નુકસાન થયું હતું. સ્થાનિકોએ ઘટનાસ્થળે આવીને આગ બુઝાવી હતી.
આ પણ વાંચો: જાલનામાં ઓબીસી કાર્યકર્તાની કારને આગ ચાંપી: ગુનો દાખલ
વાઘમારેએ બાદમાં જણાવ્યું હતું કે મરાઠા અનામત નેતા મનોજ જરાંગેના સમર્થકોએ આગ ચાંપી છે. તેઓ જાલનામાં અંતરવાલી સરાટી ગામના રહેવાસીઓ છે. વાઘમારેએ બાદમાં કદીમ જાલના પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર જી.બી. શેવાળેએ જણાવ્યું હતું કે સીસીટીવી કેમેરાના ફૂટેજ પરથી આરોપીને ઓળખી કાઢવામાં આવ્યો હતો. આરોપી દરેગાંવમાં હોવાની માહિતી મળ્યા બાદ તેને ત્યાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે વાઘમારે અને અન્ય ઓબીસી કાર્યકરોએ અન્ય પછાત વર્ગની શ્રેણી હેઠળ મરાઠા સમુદાયના સભ્યોને અનામત નહીં આપવું જોઇએ એવું કહીંને વિરોધ કર્યો છે.
(પીટીઆઇ)