જાલનામાં પિતાએ પોતાનાં ત્રણ સંતાનને કૂવામાં ફેંકી મારી નાખ્યાં

જાલના: જાલના જિલ્લાના ગામમાં પિતાએ પોતાની બે પુત્રી અને 12 વર્ષના પુત્રને કૂવામાં ફેંકી મારી નાખ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
આરોપી સંતોષ ધોંડીરામ તકવાલેએ સંતાનોનાં મૃત્યુ અંગે પોલીસને જાણ કર્યા બાદ રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
સંતોષ તકવાલેએ પુત્ર સોહમ અને બે પુત્રી શિવાની (8) તથા દિપાલી (7)ને શનિવારે અંબડ તહેસીલના દોમેગાવ ગામના કૂવામાં ફેંકી દીધાં હતાં. ત્રણેય સંતાન સંતોષની પહેલી પત્નીનાં હતાં, જેનું અવસાન થયા બાદ સંતોષે બીજા લગ્ન કર્યાં હતાં, એમ અંબડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રઘુનાથ નાચને જણાવ્યું હતું.
દરમિયાન આ પ્રકરણે ગુનો દાખલ કરીને સંતોષની ધરપકડ કરાઇ હતી. છત્રપતિ સંભાજી નગરના કચનેર ગામનો રહેવાસી સંતોષ તકવાલે હોટેલમાં કામ કરતો હતો અને શનિવારે તે સંતાનો સાથે દોમેગાવ ગામમાં આવ્યો હતો. આરોપીએ પોલીસને કૉલ કરીને પોતે સંતાનોની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું અને બાદમાં મોબાઇલ સ્વીચ ઓફફ કરી દીધો હતો. (પીટીઆઇ)