જળગાંવ ટ્રેન દુર્ઘટનાઃ પુષ્પક એક્સપ્રેસમાં આગ, અફવા અને અફડાતફડી, જાણો વિગતો
જળગાંવઃ મહારાષ્ટ્રમાં જળગાંવ અને પચૌરા સ્ટેશન વચ્ચે આજે એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો, જેમાં આગ લાગ્યાની અફવાને લઈ ટ્રેનના પ્રવાસીઓમાં અફડાતફડીના માહોલનું નિર્માણ થયું હતું. અફવાને લઈ જીવ બચાવવા ટ્રેનમાંથી કૂદેલા પ્રવાસીઓ મોટા અકસ્માતનો શિકાર બન્યા હતા. અત્યારે લખાય છે ત્યારે અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 40 પ્રવાસી ઘાયલ હોવાનું કહેવાય છે. આ અકસ્માત મુદ્દે બચાવ કામગીરી સાથે તપાસ પણ હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
જો હોર્ન માર્યો હોત તો અકસ્માત ના થાત
પુષ્પક એક્સપ્રેસ પરાંડા રેલવે સ્ટેશન નજીક આવી રહી હતી ત્યારે ટ્રેનના મોટરમેને બ્રેક લગાવી તો ટ્રેનના વ્હિલમાં સ્પાર્ક થયા હતા. એ જ વખતે પ્રવાસીઓ સમજ્યા કે ટ્રેનમાં આગ લાગી છે. આગ લાગ્યાની અફવાને લઈ મહિલાઓ અને બાળકો સાથે લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. આ બનાવ અંગે એક પ્રવાસીએ કહ્યું હતું કે આ બનાવ બપોરના 3.40 વાગ્યાથી ચાર વાગ્યાની આસપાસ થયો. જોકે, સામેથી આવતી ટ્રેનના લોકો પાઈલટે પણ હોર્ન વગાડ્યો નહોતો. ટ્રેકની આસપાસ કંઈ સંદીગ્ધ જણાય તો એટ લિસ્ટ હોર્ન માર્યો હોત તો આટલી મોટી હોનારત સર્જાઈ ના હોત. હોર્નને કારણે પ્રવાસીઓ સતર્ક બની ગયા હોત અને આ અકસ્માતનો ભોગ ના બન્યા હોત, એમ સાક્ષીઓએ જણાવ્યું હતું.
મધ્ય રેલવેના અધિકારીએ શું આપ્યું નિવેદન?
આજના પુષ્પક એક્સપ્રેસના અકસ્માતમાં પણ પ્રવાસીઓ ધુમાડાને આગ સમજી લીધો અને પોતાનો જીવ બચાવવા માટે પાટા પર કૂદી ગયા હતા. આગના ફફડાટને કારણે અનેક પ્રવાસીઓને ઈજા પહોંચી હતી. અકસ્માત લગભગ પાંચ વાગ્યાના સુમારે પુષ્પક એક્સપ્રેસ માહેજી અને પરધાડે સ્ટેશનની વચ્ચે લખનઊ-પુષ્પક એક્સપ્રેસને ચેઈન પુલિંગને કારણે ટ્રેનને રોકી દેવામાં આવી હતી.
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ કહ્યું કે પુષ્પક એક્સપ્રેસનો એક કોચ હોટ એક્સેલ અથવા બ્રેક બાઈન્ડિંગને કારણે સ્પાર્ક થયો, જેને પ્રવાસીઓ આગ સમજી બેઠા. આ જ વખતે લોકોએ ચેઈન પુલિંગ કરતા લોકો કૂદી પડ્યા હતા. એ જ વખતે સામેથી ટ્રેન પસાર થતા કર્ણાટક એક્સપ્રેસ (બેંગલુરુથી દિલ્હી) પ્રવાસીઓ ફરી વળી હતી. આ અકસ્માત પછી લખનઊ સ્ટેશને હેલ્પલાઈન જાહેર કરવામાં આવ્યો હતો. પ્રવાસીઓ 8957409292 નંબર પરથી જરુરી વિગતો પ્રાપ્ત કરી શકે છે.
ભૂતકાળમાં પણ બન્યા આ પ્રકારના અકસ્માત
આ પહેલા પણ ઘણીવાર ટ્રેનની નીચેથી ધુમાડો નીકળતો જોવા મળ્યો છે. એક દિવસ પહેલા જ આવી ઘટના બની હતી, જ્યારે સીમાંચલ એક્સપ્રેસના પૈડામાંથી સ્પાર્ક અને ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. પુષ્પક એક્સપ્રેસની જેમ લોકો ગભરાઈ ગયા અને ટ્રેનમાંથી ઉતરવા લાગ્યા હતા, જોકે આ દરમિયાન સામેથી કોઈ ટ્રેન આવતી નહોતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રેનના પૈડામાં વધુ પડતી ગરમીના કારણે આવું બન્યું હતું.
સોમનાથ જબલપુર ટ્રેનમાં લાગી હતી આગ
લગભગ ત્રણ વર્ષ પહેલા સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાં પણ આવું જ કંઈક બન્યું હતું. મુસાફરોએ અચાનક ટ્રેનની નીચેથી ધુમાડો નીકળતો જોયો, જેની માહિતી તરત જ રેલવે અધિકારીઓને આપી હતી, ત્યારબાદ લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી હતી. આ આગ બ્રેક બ્લોકીંગ જામ થવાને કારણે લાગી હતી. જો કે, આ માત્ર પૈડાં સુધી જ સીમિત રહે છે, આગ ટ્રેનની બોગી સુધી પહોંચવાની શક્યતા ઓછી હોય છે. ઉપરાંત, ગયા વર્ષે ઓડિશાના બાલાસોરના અકસ્માતની હોનારતને તાજી કરી છે.
મૃતકના પરિવારને પાંચ લાખની સહાય
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અકસ્માત અંગે દુખ વ્યક્ત કરતા કહ્યું કે મેં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરીને અકસ્માતની જાણકારી મેળવી છે. સ્થાનિક પ્રશાસનને પણ ઘાયલ લોકોને શક્ય એટલી મદદ કરી રહ્યા છે. દુર્ઘટનામાં માર્યા જનારાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું તથા ઘાયલ લોકો સત્વરે સ્વસ્થ બને એવી અપેક્ષા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અકસ્માતમાં ઘાયલ અને મૃતકના પરિવાર માટે નાણાકીય સહાયની જાહેરાત કરી છે. અકસ્માતમાં માર્યા જનારા મૃતકના પરિવારને પાંચ લાખ અને ઘાયલ લોકોનો સમગ્ર ખર્ચ આપવાની જાહેરાત કરી છે.
ટ્રેનના વ્હિલમાં સ્પાર્ક કેમ થાય છે?
પેસેન્જર-મેલ એક્સપ્રેસ ટ્રેનમાં ઘણીવાર ટ્રેનની નીચેથી ધુમાડો નીકળે છે, જેના માટે ઘણા બધા કારણો જવાબદાર છે. સામાન્ય રીતે આ ધુમાડો એન્જિનની ગરમીને કારણે હોય છે. ટ્રેન સતત દોડવાને કારણે વ્હિલ ગરમ થઇ જાય છે તો ક્યારેક સ્પાર્ક થાય છે, તેથી ધુમાડો નીકળે છે તેમ જ બ્રેક મારવાથી કે અન્ય કોઈ કારણસર પણ ધુમાડો નીકળે છે.