લગ્નનું વચન આપીને મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ: આઈપીએસ અધિકારી સામે ગુનો

નાગપુર: લગ્નનું વચન આપીને મહિલા ડૉક્ટર સાથે કથિત દુષ્કર્મ કરવા પ્રકરણે નાગપુરમાં 30 વર્ષના ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) અધિકારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ 28 વર્ષની તબીબે શુક્રવારે ઈમામવાડા પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ કરી હતી.
ફરિયાદ અનુસાર નવેમ્બર, 2022માં સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ફરિયાદીની ઓળખાણ આરોપી સાથે થઈ હતી. તે સમયે આરોપી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) પરીક્ષાની તૈયારી કરતો હતો, જ્યારે ફરિયાદી પણ એમબીબીએસનો કોર્સ કરતી હતી.
ઑનલાઈન ચૅટિંગ પછી બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઈ હતી. પછી બન્ને એકબીજાને કૉલ્સ કરી સંપર્કમાં રહેતાં હતાં. ધીરે ધીરે મિત્રતા થતાં આરોપીએ લગ્નની ખાતરી આપી ફરિયાદી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: કૅન્સર પીડિત સગીરા સાથે દુષ્કર્મથી તે ગર્ભવતી બની: યુવાનની ધરપકડ
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) માટે પસંદગી થયા પછીથી આરોપીએ મહિલાની અવગણના કરવા માંડી હતી અને લગ્ન પણ ઇનકાર કર્યો હતો.
આરોપીના પરિવારજનો પણ ફરિયાદીને પ્રતિભાવ આપવાનું ટાળવા લાગ્યા હતા. પરિણામે હતાશ થયેલી ફરિયાદીએ ઈમામવાડા પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદને આધારે પોલીસે શનિવારે આઈપીએસ અધિકારી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
(પીટીઆઈ)