મહારાષ્ટ્ર

આઈપીએસ અધિકારીની દીકરીનો મૃતદેહ નાગપુરના ફ્લૅટમાંથી મળ્યો

નાગપુર: આઈપીએસ અધિકારી કૃષ્ણકાંત પાંડેયની દીકરીનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં નાગપુરના ફ્લૅટમાંથી મળી આવ્યો હતો. છેલ્લા અમુક દિવસથી માનસિક તાણ હેઠળ હોવાથી તેણે આત્મહત્યા કરી હોવાનું પોલીસનું માનવું છે.

પોલીસના જણાવ્યા મુજબ સમૃદ્ધિ પાંડેય (25) ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)માં પહેલા વર્ષની ડર્મેટોલૉજીની સ્ટુડન્ટ હતી. સમૃદ્ધિના પિતા કૃષ્ણકાંતની પોસ્ટિંગ હાલમાં સીઆરપીએફના પુણેના ઈન્સ્પેક્ટર જનરલ તરીકે છે.

આપણ વાચો: ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પોલીસ બેડામાં શોકનો માહોલ

સમૃદ્ધિ નાગપુરના સોનેગાંવ વિસ્તારના શિવ કૈલાશ પરિસરમાં મંજિરા એપાર્ટમેન્ટમાં રહેતી હતી. મંગળવારની સાંજે તેણે કથિત આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.

અધિકારીએ જણાવ્યું હતું કે પ્રથમદર્શી આ આપઘાતનો કેસ જણાય છે. છેલ્લા અમુક દિવસથી તે માનસિક તાણમાં હતી. મંગળવારની સાંજે સમૃદ્ધિની રૂમનો દરવાજો અંદરથી લૉક હોવાનું રૂમમેટના ધ્યાનમાં આવ્યું હતું. ફ્લૅટમાં પ્રવેશવાના બીજા માર્ગથી રૂમમેટ અંદર ગઈ તો સમૃદ્ધિ સીલિંગ ફૅન સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં નજરે પડી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ સમૃદ્ધિની રૂમમેટે તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં લઈ ગયા હતા.

ઘટનાસ્થળે પંચનામું કરવામાં આવ્યું છે અને પોસ્ટમોર્ટમના અહેવાલની રાહ જોવાઈ રહી છે. ઘટનાક્રમની વધુ વિગતો પ્રાપ્ત કરવા માટે અમે યુવતીના મિત્રો સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ, એવું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button