Injured Tigress Brings Rail Traffic to Halt for 7 Hours
મહારાષ્ટ્ર

ઘાયલ વાઘણે સાત કલાક સુધી રેલવે માર્ગ બ્લોક કર્યો

નાગપુરઃ વાઘ, સિંહ જેવા પ્રાણી ખતરનાક હોય છે, અને એમાં પણ આ ખૂંખાર પ્રાણીઓ જ્યારે ઘાયલ હોય ત્યારે વધુ ખતરનાક બની જતા હોય છે અને જો કોઇ તેની પાસે જવાનો પ્રયાસ કરે તો આ પ્રાણીઓ શું કરી બેસે એ કંઇ કહેવાય નહીં. હાલમાં જ મહારાષ્ટ્રમાં એક વાઘણ ટ્રેનની અડફેટમાં આવી ગઇ હતી. ત્યાર બાદ તે રેલવે માર્ગ બ્લોક કરીને બેસી ગઇ હતી.
આ ઘટના શુક્રવારે (15 નવેમ્બર) સવારે 5.30 વાગ્યાની આસપાસ તુમસર-તિરોડી રેલવે લાઇન પર બની હતી. આ દક્ષિણ પૂર્વ મધ્ય રેલ્વેના અધિકારક્ષેત્ર હેઠળની એક સ્વતંત્ર રેલ્વે લાઇન છે. મધ્યપ્રદેશના તુમસરથી તિરોડી રેલવે સ્ટેશન સુધી અહીં ટ્રેન ચાલે છે. રાબેતા મુજબ આ ટ્રેન વહેલી સવારે તિરોડી જવા રવાના થઈ હતી. એક વાઘણ ટ્રેનની અડફેટમાં આવીને ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ હતી અને ટ્રેક પાસે પડી હતી.


Also read: America એ ભારતને પરત કરી લૂંટાયેલી 1400 પ્રાચીન કલાકૃતિઓ, આટલી કિંમત


લોકો પાયલોટે જોયું કે નાકાડોંગરી જંગલ વિસ્તારમાં ડોંગરી બુઝર્ગ નજીક ટેકરીઓ પાસે કોઈ મોટું પ્રાણી ટ્રેનની અડફેટે આવી ગયું હતું. તેથી તેમણે ટ્રેન ધીમી કરી હતી અને ગાર્ડની મદદથી તેઓ તપાસ કરવા ઉતર્યા હતા . જોકે ગાઢ ધુમ્મસના કારણે તેઓ ખાસ કંઈ જોઈ શક્યા ન હતા. માત્ર કોઇ મોટું પ્રાણી ટ્રેનની અડફેટમાં આવ્યું હોવાનું તેમને જણાયું હતું. જોકે, કોઇ ઘાયલ પ્રાણી પડ્યું છે એવી મનમાં રહેલી શંકાઓને દૂર કરવા માટે, લોકો પાયલોટ તેમજ ટ્રેન મેનેજરે આ માહિતી આરપીએફ અને રેલવે પોલીસને આપી. તેઓ વહેલી સવારે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ત્યારે તેમને ત્યાં એક વાઘણ ટ્રેકની બાજુમાં પડેલી જોવા મળી હતી. તેની પૂંછડી બાજુ પર તૂટી ગઈ હતી. આરપીએફએ આ માહિતી વન વિભાગને આપી હતી. વન વિભાગના અધિકારી તેમના કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. વિશાળ કાફલો અને લોકોની ભીડ જોઈને વાઘણ ભડકી ગઇ હતી અને તે આવીને રેલ્વે ટ્રેકની વચ્ચે બેસી ગઇ હતી. તેની આક્રમક મુદ્રા લોકોને ડરાવી રહી હતી. વન વિભાગની ટીમ પાસે પુરતા સાધનો ન હતા. આથી ઘાયલ વાઘણને બેભાન કરવા માટે વન વિભાગ અધિકારી અને તેમના સાથીદારોએ સાત કલાક સુધી જહેમત ઉઠાવવી પડી હતી. પેંચ અને ગોરેવાડા અભ્યારણોના વરિષ્ઠોના ઓનલાઈન માર્ગદર્શન બાદ વાઘણને આખરે બેભાન કરવામાં આવી હતી.


Also read: ઝાંસી હૉસ્પિટલ આગઃ શું બાકસની એક દિવાસળી બની દસ માસૂમના મોતનું કારણ?


સમારકામ માટે વપરાતી રેલવેની ખાસ નાની ટ્રેનને સ્થળ પર લાવવામાં આવી હતી. અને ભારે જહેમત બાદ વાઘણને સ્થળ પરથી ખસેડવામાં આવી હતી. ત્યાં સુધી આ રેલ્વે ટ્રેક વાહનવ્યવહાર માટે બંધ રહ્યો હતો.
હાલમાં આ વાઘણ સારવાર હેઠળ છે અને તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

Back to top button